મેયર બીજલ પટેલનો દાવો હતો કે, જૂની વી.એસ. હોસ્પિટલમાં 500 પથારીની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. પરંતુ ધીમે ધીમે જૂની હોસ્પિટલમાં બધી જ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. દર્દીઓ દાખલ કરવામાં આવતા નથી. આ પહેલાં વર્ષ 2010માં હોસ્પિટલ બે ભાગમાં વેચવામાં આવી હતી. વી.એસ. હોસ્પિટલના 1200 બેડમાંથી 500 બેડ જૂની હોસ્પીટલમાં રાખી બાકીના નવી હોસ્પિટલમાં લઈ જવાયા. જેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે શહેરના મેયરે કહ્યું હતું કે, 500 બેડની હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે ચાલુ રહેશે. જોકે તંત્રની આ બાબત સાવ ખોટી સાબિત થઈ છે. જૂની હોસ્પિટલ હવે નામ માત્રની રહી છે.
વી. એસ. હોસ્પિટલની જૂની અને જર્જરિત બિલ્ડિંગ તોડવાની કરાઈ રહી છે તૈયારી
અમદાવાદ: જૂની વી.એસ. હોસ્પિટલ શહેરની શાન છે. પરંતુ હાલમાં તેની ઈમારત જર્જરિત હાલતમાં છે. અહીં દર્દીઓ નહીં પણ ધુળ ખાતા સાધોનો અને પથારી જોવા મળે છે. હોસ્પિટલ નહીં તૂટે તેવો દાવો કરનારા સત્તાધીશો દ્વારા હવે હોસ્પિટલ તોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અમદાવાદની જૂની વી.એસ. હોસ્પિટલ શહેરની શાન છે પરંતુ હાલમાં તેની ઈમારત જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલ હવે નામ માત્રની રહી છે. જેને હવે તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ બાબતને લઈને વિપક્ષ દ્વારા હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વી.એસ. હોસ્પિટલ તોડવાના વિરોધમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી સોમવારે કરવામાં આવશે.
વિરોધ પક્ષનો આરોપ છે કે, હેરિટેજ બચાવવાની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના શાસકો હેરિટેજ ઈમારતોને બચાવવાને બદલે તેને નુકસાન કરી રહ્યાં છે. અગાઉ તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા શહેરની શાન ગણાતા એલિસ બ્રિજને તોડવાની વાત કરવામાં આવી હતી. જેનો ઉગ્ર વિરોધ થયો હતો. હવે જૂની વી.એસ. હોસ્પિટલ તોડવાની તૈયારી શરુ કરવામાં આવી છે. ત્યારે વિરોધ બાદ આ મામલે તંત્રને પોતાનો નિર્ણય પરત લેવો પડે તો નવાઈ નહીં.