- અમિત શાહે AMC ની ઓફીસે બેઠક યોજી
- બેઠકમાં અમિત શાહે મહત્વની સૂચના આપી
- હાઉસિંગ, બાગબગીચા, રોડ, ઓવર બ્રીજ, અંડર બ્રીજના કામોની સમીક્ષા કરાઈ
- અમદાવાદમાં 21 તળાવોને આકર્ષક બનાવવા સૂચના
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે રવિવારે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક (Amit Shah held meeting AMC office) માં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે. સાથે સાથે તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન માટે તાકીદ કરી હતી. શહેરના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટૂંક સમયમાં પુર્ણ કરવા પણ સુચન કર્યું હતું.
અમિત શાહે વૃક્ષારોપણ કરવા સૂચન આપ્યું
અમિત શાહે વૃક્ષારોપણ અને તેની જાળવણીની હિમાયત કરતાં કહ્યું કે, વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. કયાં વિસ્તારમાં કેટલા વૃક્ષો વાવ્યાં, તેની જાળવણી અને તેના સંવર્ધન માટેની શી વ્યવસ્થા કરાઈ છે તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો તેમને મેળવી હતી.
ગરીબોને પ્રથમ આવાસ ફાળવવા સૂચના
શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માગ છે. હાઉસીંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા જણાવી ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, દરેક માનવીને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે, એ સ્વપ્ન સાકાર થવું જોઈએ. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સુચના આપી હતી.