- અમૂલના 75માં સ્થાપના વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગૃહપ્રધાને આપી હાજરી
- અર્થવ્યવસ્થામાં સહકારી સંસ્થાઓ મોટું યોગદાન આપી શકે છે : શાહ
- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ડેરી ઉદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત
અમદાવાદ : ગુજરાતના આણંદમાં અમૂલના 75માં સ્થાપના વર્ષની (Amul's 75th founding year ) ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને (Union Home Minister Amit Shah ) કહ્યું કે, સરદાર પટેલનો અમૂલ સાથે ગાઢ સંબંધ છે. સરદાર પટેલની (Sardar Patel Birth Anniversary) પ્રેરણા અને મહેનતુ નેતા ત્રિભુવનદાસ પટેલે ખાનગી ડેરીના અન્યાય સામે ખેડૂતોના સંઘર્ષને હકારાત્મક વિચારસરણી તરફ વાળવાનું કામ કર્યું હતું. સહકારી ક્ષેત્રે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારીતાથી મોટો કોઈ રસ્તો હોઈ શકે નહીં.
દાણ ફેકટરીમાં ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્ચીંગ
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં 1.72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્ચીંગ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે ખાત્રજમાં 2500 મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું.
અનેક યોજનાઓનું લોકાર્પણ કરાયું
અમુલ દ્વારા બનાવવામાં આવેલા જૈવિક ખાતર (બાયોફર્ટીલાયઝર) નું લોન્ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે અમુલની 75 વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. કેન્દ્રિય પ્રધાને વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ તથા ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશિયલ એન્વલપ અને દેશમાં 100 કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ બદલ વિશેષ એન્વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે કેન્દ્રિય પ્રધાનના હસ્તે મહત્તમ દુધ ઉત્પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્માન કર્યું હતું. કેન્દ્રિય પ્રધાન અમિત શાહ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર-રાજય સરકારના પ્રધાનોએ ડેરીના પ્લાન્ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આત્મનિર્ભરની દિશા તરફ આગળ વધવું પડશે: અમિત શાહ
કેન્દ્રિય પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગવી દ્વષ્ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્ધિના ધ્યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે, ત્યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે.
દરરોજ 30 મિલિયન દૂધની પ્રોસેસિંગ અને સંગ્રહ કરવાની ક્ષમતા
શાહે વધુમાં કહ્યું કે, આજે રવિવારે અમૂલનું 75મું સ્થાપના વર્ષનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, જ્યારે માત્ર 200 લિટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું, ત્યારે કલ્પના પણ નહીં હોય કે આજે અમૂલ 2020-21નું વાર્ષિક ટર્નઓવર 53,000 કરોડને વટાવી ગયું છે. આજે અમૂલે દરરોજ 30 મિલિયન દૂધની પ્રોસેસિંગ અને સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવી છે. 36 લાખ ખેડૂત પરિવારો અમૂલ સાથે સંકળાયેલા છે અને તેને પોતાનો વ્યવસાય બનાવીને તેમનું જીવન સન્માન સાથે જીવે છે.
'સહકારથી સમૃદ્ધિ'નું સૂત્ર સાકાર
આ ઉપરાંત, શાહે કહ્યું કે 18,600 થી વધુ ગામોની નાની દૂધ સહકારી મંડળીઓ અમૂલ સાથે જોડાઈને તેને વટવૃક્ષ બનાવવા માટે યોગદાન આપી રહી છે. અમૂલે સમગ્ર દેશમાં 18 જિલ્લા સ્તરની ડેરીઓ અને 87 દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. મોદીજીએ સહકાર મંત્રાલય બનાવ્યું છે, તે 'સહકારથી સમૃદ્ધિ'ના સૂત્ર સાથે બનાવવામાં આવ્યું છે. હું દ્રઢપણે માનું છું કે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થામાં સહકારી સંસ્થાઓ મોટું યોગદાન આપી શકે છે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા માટે સહકારથી સારો બીજો કોઈ રસ્તો ન હોઈ શકે.
શાહે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યું
આ અગાઉ, કેન્દ્રીય ગૃહપ્રધાને ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું દેશભરના કરોડો દેશવાસીઓને કહેવા માંગુ છું, એક સદીમાં કોઈ સરદાર બની શકે છે, એક સરદાર સદીઓ સુધી અલખ જગાવી શકે છે. સરદાર પટેલે આપેલી પ્રેરણાએ આજે દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. આજે તેમની પ્રેરણા આપણને એકજૂટ રાખવામાં, દેશને આગળ લઈ જવામાં સફળ રહી છે.