- સોમવારે રાત્રે 10 વાગ્યે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાયો
- બોરસદના પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગના કેસ બાબતે કરાયો હતો રજૂ
- આજે 6 વાગ્યા સુધીમાં ફરી રવિ પૂંજારાને કોર્ટમાં રજુ કરવા આદેશ
અમદાવાદ:કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન રવિ પુજારી ( Gangster Ravi Pujari ) ને ગુજરાતના રાજકારણીઓ સહિત ખ્યાતનામ વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરવાના કેસમાં તપાસ કરતી અમદાવાદ ક્રાઈમ બાન્ચ ( Ahmedabad Crime Branch ) પોલીસ દ્વારા સોમવારે બેંગલુરુથી અમદાવાદ અને ત્યાંથી પ્રત્યાપર્ણ કાયદા અંતર્ગત આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બોરસદ કોર્ટ (Borsad court) દ્વારા સોમવારે ગેંગસ્ટર રવિ પૂજારીની અમદાવાદ પોલીસને કસ્ટડી સોંપવામાં આવી હતી. જ્યાં મંગળવારે ફરીથી બોરસદ કોર્ટમાં રજુ કરીને વર્ષ 2017માં અપક્ષ કાઉન્સિલર ઉપર ફાયરીંગ કરવાના કેસમાં રીમાન્ડની માંગણી કરવામાં આવનારી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ હત્યા કરવાનો પ્રયાસ
મળતી માહિતી અનુસાર 13 જાન્યુઆરી 2017ના રોજ બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ ઉપર તેમના જ ઘર નજીક ફાયરીંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને સુરતથી રવિ પુજારીના બે શાર્પ શુટરોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ હુમલા પાછળ રવિ પુજારીનો હાથ હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ પ્રજ્ઞેશના ભાઈને પણ રવિ પુજારીના નામે ધમકી આપવામાં આવી હતી.
મોડીરાત્રે 10:10 મિનિટે બોરસદની કોર્ટમાં રજૂ કરાયો
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બેંગલુરુથી રવિ પુજારીના ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડ મેળવીને બખ્તર બંધ ગરુડ ગાડીમાં અમદાવાદ અને ત્યાંથી મોડીરાત્રે 10:10 મિનિટે બોરસદની કોર્ટમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રવિ પુજારીને રજુ કરીને બોરસદના ગુનામાં તેની કસ્ટડી પોલીસને સોંપવામાં આવી હતી. આ કાર્યવાહી લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને આજે (મંગળવારે) ફરીથી બોરસદની કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
આજે ફરી બોરસદની કોર્ટમાં રજુ કરવામાં આવશે
રવિ પુજારીને બોરસદની કોર્ટમાં રજુ કરવામાં આવશે આથી સમગ્ર બોરસદ શહેર અને કોર્ટ પરિસરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિસ્તારને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી. સલામતીને લઈ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.