- 7 વર્ષ સુધી 10 બાય 12ના ઓરડામાં બંધ રહ્યાં હતાં નિષ્ઠાબેન ઠાકર
- મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દર્દીઓ માટે 3 NGO શરૂ કરી અનેક લોકો માટે સહારો બન્યાં
- ઉપરાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ રોલ મોડલ પર્સનનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે
અમદાવાદઃ નિષ્ઠાબેન ઠાકર 11 વર્ષનાં હતાં ત્યારથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા એક રોગથી પીડાઈ રહ્યાં છે. આ રોગને કારણે તેમના શરીરનાં અંગો દિવસે-દિવસે નબળાં પડતાં જતાં હતાં અને તેઓ કોઈના સહારા વગર પોતાના પગ પર પણ ઊભાં નહોતાં રહી શકતાં, પરંતુ તેઓ એક સામાન્ય મહિલા કરતાં પણ વધારે સારું જીવન જીવી રહ્યાં છે. તેઓ જાતે ઊભા તો નથી થઈ શકતાં, પણ તેઓ તેમની જિંદગીમાં ઘણી ઉડાન ભરી રહ્યાં છે, જે તમામ લોકો માટે આશ્ચર્યજનક બાબત છે. આ રોગ આપણાં દેશમાં બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આ રોગ જેને થાય છે તે મનથી ભાંગી પડે છે. આ રોગની હજી સુધી કોઈ દવા કે ટ્રીટમેન્ટ શોધાઈ નથી. માત્ર ફિઝિયોથેરપી જેવી સંબંધિત ટ્રીટમેન્ટથી થોડીઘણી રાહત મળે છે. આ તમામની વચ્ચે નિષ્ઠાબેને મન મક્કમ રાખીને તેમણે જોયેલાં તમામ સપનાં પૂર્ણ કર્યાં છે, સાથે તેઓ આ રોગથી પીડાતાં લોકો માટે પણ કામ કરી રહ્યાં છે.
11 વર્ષની ઉંમરથી પગ કામ કરતા બંધ થયાં
નિષ્ઠાબેન ઠાકરને 11 વર્ષની વયે પહેલીવાર શરીરમાં કોઈ પ્રૉબ્લેમ છે એમ લાગ્યું હતું, જેથી તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમનો પગ જ કામ કરતો ન હતો. તેમણે તેમના ફેમિલી ડોક્ટરને બતાવ્યું; ત્યારે પણ કોઈ ખબર ન પડી. તેમના પરિવારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવ્યાં, ત્યારે માલૂમ પડ્યું કે નિષ્ઠાબેનને ટી.બી. છે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો રોગ પણ છે. આ વાત સાંભળી તેમના પરિવારના સભ્યોને ભારે આંચકો લાગ્યો કારણ કે તેમની ઉંમર પણ ઘણી નાની હતી.
હું માત્ર રૂમમાં જ મારી જિંદગીનું પૂર્ણવિરામ મૂકવા માગતી ન હતી- નિષ્ઠાબેન ઠાકર
નિષ્ઠાબેન 7 વર્ષ સુધી એક રૂમમાં જ બેડ રેસ્ટ પર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે 'હું જ્યારે 10/12ના રૂમમાં બંધ હતી, ત્યારે મેં જિંદગી જીવવાની આશા છોડી દીધી હતી, કારણ કે ડૉક્ટરે પણ મારા ફેમિલીને કહ્યું હતું કે 10થી 15 વર્ષ સુધી જ આનું આયુષ્ય છે, પછી અમે કઈ કહી ન શકીએ. હું દરરોજ રૂમમાં બેસીને વિચારું કે આવું કેટલા લોકો સાથે થતું હશે. પછી મને થયું કે હું આ રૂમમાં મારી જિંદગીને પૂર્ણવિરામ મૂકવા માગતી નથી. ભલે ડૉક્ટર કહે કે ઓછો સમય છે, પણ મારે પણ મારાં સપનાં પૂરાં કરવા છે અને મેં ભણવાનું શરૂ કર્યું. કારણ કે ભણ્યા વગર કોઈ સપનાં પૂરાં ન થાય. મેં ઘરે બેસીને અભ્યાસ કર્યો અને ધોરણ 12ની પરીક્ષા આપી. પછી મને એમ થયું કે મારે કોલેજની લાઈફ પણ સામાન્ય લોકોની જેમ જીવવી છે, એટલે હું જૂનાગઢથી અમદાવાદ આવી અને કોલેજ શરૂ કરી. મારા ફેમિલી સાથે હું અમદાવાદ શિફ્ટ થઈ ગઈ, જેથી તેઓ મને કોલેજ લેવા-મૂકવા માટે આવતાં, આ રીતે મેં મારું કોલેજનું સપનું પૂર્ણ કર્યું અને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી લીધું અને મને એલિસબ્રિજ જિમખાનામાં રિસેપ્શનિસ્ટની જોબ મળી. મેં ત્રણ વર્ષ ત્યાં જોબ કરી. 2004માં શિમલાના એક NGOના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કેમ્પમાં મેં ભાગ લીધો અને મારા જેવા ઘણાં લોકોને મેં વ્હીલચેર પર જોયાં કે જેઓ પોતાની જિંદગીથી હાર માનીને બેઠાં હતાં. મેં તેમની સાથે વાતચીત કરી અને મારા અનુભવો જણાવ્યાં. ત્યાર બાદ મને થયું કે આ બે વ્યક્તિને જિંદગી જીવવાની હિંમત આપી, હવે તો મારે આના માટે કંઈક કરવું જોઈએ.'