મળો, અમદાવાદના બે મિત્રોને કે જેમણે ગામની એક નહીં પરંતુ બે-વાર મદદ કરી
કપરી સ્થિતિમાં જે મદદ કરે તે જ સાચો માનવી કહેવાય, આ વાતને અમદાવાદના બે યુવાન મિત્રોએ સાર્થક કરી બતાવી છે, જી હા, બંને મિત્રોએ સાથે મળીને એકવાર નહીં પરંતુ બે-વાર ગામની મદદ કરી છે. કોરોના - લૉક ડાઉન જેવી પરિસ્થિતિ વચ્ચે બંને મિત્રોએ સાણંદના વિરોછાનગર ગામના આશરે 500 ઘરને રેશનની કિટ પુરી પાડી છે..
અમદાવાદઃ અમદાવાદના બિઝનેસમેન રિઝવાન પંજા અને તેમના વકીલ મિત્ર ઉત્કર્ષ દવે સાથે મળીને સાણંદના વિરોછાનગર ગામવાસીઓની એક નહીં પણ બે-વાર મદદ કરી છે. કોરોના - લૉકડાઉન ટાણે જ્યારે એક તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ શહેરમાં સહેલાઇથી મળતી નથી ત્યારે બંને જણાએ વિરોછાનગર ગામના આશરે 500 પરિવારોને રાશનની કીટ પુરી પાડી જેમાં અનાજ, તેલ, કઠોર સહિત કરિયાનું ઉપલબ્ધ કરાવ્યું છે. અમદાવાદના બંને મિત્રો ગામના લોકોથી એટલા ભળી ગયાં છે કે તેમણે આ ગામવાસીઓની એક નહીં પરંતુ બે-વાર મદદ કરી હતી. અગાઉ વર્ષ 2019માં જ્યારે સાણંદના વિરોછાનગર ગામમાં ઘાસચારાની અછત વર્તાઈ હતી, ખાસ કરીને કચ્છથી હિજરત કરીને આવેલા માલધારી સમાજના લોકોને સરકારે ઘાસચારો ન આપતા તેમણે સૌ-પ્રથમવાર રિઝવાન પંજાનો સંપર્ક કર્યો હતો અને મદદ કરી હતી. આજ રીતે ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ ફાળો એકત્ર કરવા માટે ઓન-લાઈન કેમ્પન ચલાવ્યું હતું અને તેનાથી ઘણી મદદ મળી હતી.
આ મુદ્દે વાતચીત કરતા રિઝવાન પંજા અને ઉત્કર્ષ દવેએ જણાવાયું હતું કે અમને ત્રણ - ચાર દિવસ પહેલા વિરોછાનગરમાં રહેતા પંકજ મકવાણાનો ફોન આવ્યો હતો અને તેમણે લૉકડાઉનને લીધે પડતી હાલાકી અંગે વાતચીત કરતા અમે તેમને મદદ કરવાનો નિણર્ય કર્યો હતો. ગામવાસીઓ અમને ઓળખતાં હોવાથી આ મુદાની જાણ થઈ હતી. વિરોછાનગરના રહેવાસી પંકજ મકવાણાએ જણાવ્યું હતું કે લૉકડાઉનને લીધે ધંધો-રોજગાર નોકરી ઠપ થઈ જતાં જીવનનું ગુજરાન ચલાવવા કઈ ન હોવાથી મદદ માટે તેમનો સંપર્ક કર્યો હતો અને વગર સંકોચે તેમણે અમારી ખરા સમયમાં મદદ કરી.
નોંધનીય છે કે સરકાર આર્થિક રીતે નબળા, ગરીબ અને ઘર વિહોણા લોકોને એપ્રિલ મહિના માટે રાશન થકી મદદ કરી રહી છે પરંતુ અંતરયાળ વિસ્તારમાં ઘણીવાર મદદ પહોંચતી નથી અથવા તો ઘણીવાર લોકો પાસે ઓળખ માટેના પૂરતા દસ્તાવેજ હોતાં નથી તેવી સ્થિતિ લોકો લાભથી વંચિત રહી જતાં હોય છે ત્યારે સેવાભાવી લોકો જ કામ આવે છે.