અમદાવાદઃ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન અપાયું છે. તેમાં લોકોને જાગૃત કરવા અને કોરોના વોરિયર્સનો જુસ્સો વધારવા નાગરિકોના અમુક જૂથ દ્વારા રસ્તાઓ પર ચિત્રો દોરવામાં આવી રહ્યાં છે.ટીમ યંગિસ્તાન દ્રારા કોરોના મહામારીમાં પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોના સામે સતત લડી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, નિકોલ પોલીસ અને કોરોના વોરિયર્સના યોદ્ધાઓને બિરદાવવા રસપાન ચાર રસ્તા પર અદભૂત ચિત્ર બનાવીને સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું છે. તો નારણપુરામાં પણ નાગરિકો દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યું છે.
નિકોલ અને નારણપુરામાં રોડ પર ચિત્રો દોરી જાગૃતિનો પ્રયાસ - Nikol
કોરોના વાયરસ માટે જનજાગૃતિ જેવો રામબાણ ઇલાજ શાયદ બીજો નથી. ત્યારે આ પ્રયાસ માટે સરકાર જ નહીં, સામાજિક સંસ્થાઓ સહિત વ્યક્તિગત સ્તરે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેરના નિકોલ અને નારણપુરામાં શહેરના યુવાનોના જુદાંજુદાં ગ્રુપ દ્વારા આવી સકારાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
![નિકોલ અને નારણપુરામાં રોડ પર ચિત્રો દોરી જાગૃતિનો પ્રયાસ નિકોલ અને નારણપુરામાં રોડ પર ચિત્રો દોરી જાગૃતિનો પ્રયાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6938583-thumbnail-3x2-paintings-7209112.jpg)
અમદાવાદમાં લૉક ડાઉનના પાલન માટે અમુક વિસ્તારોમાં નાગરિકોની ઉદાસીનતા જોવા મળે છે. ત્યારે શહેરમાં એવા નાગરિકો પણ છે જે પોતે લૉક ડાઉનના નિયમ પાલન સાથે અન્યોને પણ કોરોના વાયરસની મહામારીને અટકાવવાનું જોમ જાગે અને વિચારતાં થાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. ટીમ યંગિસ્તાનની વાત હોય કે નારણપુરાના નાગરિકો, આવી પ્રવૃત્તિ દરેક વિસ્તારમાં કોઇને કોઇ લોકો કરી રહ્યાં છે તે આવકારદાયક છે. થોડા દિવસોમાં લૉક ડાઉન જેવા સરકારી કદમ પણ પૂર્ણ થઈ જશે ત્યારે નાગરિકોની સ્વંય શિસ્ત જ કોરોનાને વધુ ભયંકર રુપ ધરતો અટકાવી શકશે જેના માટે આ પ્રકારની જાગૃતિની આવશ્યકતા છે.