- અમદાવાદમાં 46 કેસ અને ગુજરાતમાં 100થી વધુ કેસ
- વધુ ડાયાબિટીસવાળા દર્દીઓમાં કોવિડ બાદ થાય છે ફંગસ
- ગભરાવાની જરૂર નથી, સાવચેતી જરૂરી છે
અમદાવાદ : અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 46 મ્યુકોરમાઈકોસીસ( mucormycosis )ના કેસ જોવા મળ્યા છે. અને સમગ્ર ગુજરાતમાં 100થી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ( mucormycosis ) રોગની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરીને અગાઉથી વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ( mucormycosis )ની સારવાર માટે 60-60 વોર્ડના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે.
પોસ્ટ કોવિડ ઈન્ફેક્શન થાય છે
અગાઉ કેન્સર કે કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસ( mucormycosis ) રોગનું ચલણ હતું, પરંતુ હાલ કોરોના અથવા પોસ્ટ કોવિડ બાદ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને સાયનસ અથવા ફંગલનું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે. ત્યારબાદ તે મ્યુકોરમાઇકોસીસમાં પરિણમે છે. મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે. જે માટે તેનાથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન થઈ શકે છે. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદીએ જણાવ્યું હતું કે, એક મ્યુકોરમાઇકોસીસથી પીડિત દર્દીને સાજા કરવા 3થી 4 લાખનો ખર્ચ થાય છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન નિ:શુલ્ક કરવામાં આવે છે.
આ પણ વાંચો -સાવચેતી, તકેદારી અને સમયસર ઉપચારથી મ્યુકોરમાઈકોસિસને માત આપી શકાય છે: ડૉ. મિતેશ ખોખાણી
મ્યુકોરમાઇકોસીસ અંગે રાજ્ય સરકારનું આયોજન
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની તાજેતરમાં જ બેઠક મળી હતી, અ તેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષાની સાથે મ્યુકોરમાઈકોસીસના રોગની પણ ગંભીર રીતે ચર્ચા કરવામાં આવી હતી, અને તે રોગની સારવાર માટે અલગ વ્યવસ્થા ઉભી કરવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરવાનો સૌપ્રથમ નિર્ણય લેવાયો હતો.
મ્યુકોરમાઈકોસીસની દવા ખરીદવા ઓર્ડર આપી દીધો
કોર કમિટીની બેઠકમાં જ મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે રૂપિયા 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન બી 50 એમજી 5000 ઈન્જેક્શન ખરીદવાનો ઓર્ડર આપી દેવો તે નક્કી થયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ કરી હતી. જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસીસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસીસ રોગ થવાની સંભાવના વધુ છે. મ્યુકરમાઈકોસીસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.
આ પણ વાંચો -રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી
મ્યુકોરમાઈકોસીસથી બચવા શું કાળજી રાખશો?
મ્યુકરમાઈકોસીસથી બચવા N-95 માસ્ક પહેરવું જોઈએ, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ અને પાણીથી સાફ કરવા જરૂરી છે. મ્યુકરમાઈકોસીસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન - B, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આ મ્યુકોમાઈકોસીસ રોગની અસર તેમજ સારવાર માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું છે.
સ્ટીરોઈડના વધુ ઉપયોગથી મ્યુકોરમાઈકોસીસ થઈ રહ્યો છે
રેમેડેસિવીર અને ટોસીલીઝુઝુમેબની અછતને લીધે સ્ટીરોઈડનો ઉપયોગ સારવાર માટે થઈ રહ્યો છે, જે સ્ટીરોઈડની આડઅસરને કારણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુકોરમાઈકોસીસ વધુ વકર્યો છે. જેમાં દર્દીના આંખ, નાક અને મગજ તથા દાંત પર ગંભીર અસર થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના નવા 8થી 10 કેસ આવે છે. અને તેની સારવાર પણ શરૂ કરી દેવાઈ છે.
સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો
13 મે -સુરત શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના અત્યાર સુધીમાં 224 દર્દી નોંધાયા છે, જ્યારે 67 દર્દી સાજા થયા છે, 16 દર્દીઓના મોત થયા છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ENT વિભાગ દ્વારા J-3 અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
પાટણમાં મ્યુકોરમાઈક્રોસીસનો પ્રથમ કેસ નોંધાયો
12 મે -પાટણ જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે એક વાર મ્યુકોરમાઇક્રોસીસ રોગે પણ દેખા દીધી છે. ધારપુર હોસ્પિટલમાં 6 બેડનો એક વોર્ડ આ રોગના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ ખાતે એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે, પણ હોસ્પિટલમાં આ રોગની સારવાર માટેની દવાઓ કે ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી. તેમજ નિષ્ણાંત તબીબો પણ નથી. જેને લઇ હોસ્પિટલ સતાધીશોએ સરકારમાં દવા માટેની માંગણી કરી છે.