અમદાવાદ: કોરોનાવાયરસના કારણે અપાયેલા લોકડાઉનમાં સમગ્ર ગુજરાતમાં પાનના ગલ્લાઓ બંધ રહ્યા હતા.તેના લીધે તમાકુઓના વ્યસનીઓની હાલત કફોડી બની હતી.પરંતુ લોકડાઉન- 4માં કેન્દ્ર સરકારે આર્થિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકારોની પોતાની રીતે છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાનના ગલ્લાઓને કેટલીક શરતો સાથે ખોલવા માટે મંજૂરી આપી છે.
લૉક ડાઉનમાં પાનમસાલાના ગલ્લા તો ખુલ્યાં, પણ બંધાણીઓના ખીસ્સાં થઈ રહ્યાં છે હળવાં પરંતુ સતત બે મહિનાથી તમાકુના વ્યસનીઓ બ્લેકમાં જે તમાકુ પ્રોડક્ટ ઊંચા ભાવે ખરીદી રહ્યાં હતાં તેમને હજુ પણ ઉંચો ભાવ ચૂકવવો પડી રહ્યો છે. કારણ કે સ્ટોક ન હોવાના કારણે શહેરના મોટાભાગના પાનના ગલ્લા બંધ છે.તો જેમની પાસે જૂનો સ્ટોક પડયો છે. તેઓ આગળથી જ વધુ વધુ ભાવે માલ મળી રહ્યો છે. તેમ કહીને ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસૂલી રહ્યાં છે. કેટલીક જગ્યાએ લોકડાઉનના નિયમો અને સરકાર દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકાનો ભંગ થતો હોવાથી પોલીસ દ્વારા પણ પાનના ગલ્લા બંધ કરાવવામાં આવ્યા છે. અત્યારે પાનના ગલ્લા અને તમાકુ પ્રોડક્ટના વેચાણકર્તાઓ વીસ રૂપિયાની સિગરેટના 25 રૂપિયા અને 12 રૂપિયાની સિગરેટના પંદર રૂપિયા વસૂલી રહ્યા છે. તો સિગરેટના બોક્સ પર 30 થી 50 રૂપિયા જેટલો વધુ ભાવ લેવાઈ રહ્યો છે.પાન મસાલાની પડીકીઓ બે થી ત્રણ ગણા ભાવે વેચાઈ રહી છે.જો કે વ્યસનીઓ અને તમાકુના બંધાણી ઊંચા ભાવે પણ તમાકુ પ્રોડક્ટ ખરીદવા મજબૂર બન્યા છે. બીજી તરફ પાનના વેચાણકર્તાઓનું કહેવું છે કે ગ્રાહકોનો ધસારો વધુ છે. સરકારની ગાઈડલાઈનના આ નિયમનું પાલન કરવું પડે છે. તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો પણ ખર્ચો થાય છે. સામેથી સ્ટોક આવતો નથી તો બીજી તરફ તમાકુની હરાજી થઇ છે,પરંતુ કંપનીઓ સુધી માલ પહોંચ્યો નથી જેથી ઉત્પાદન મળતું નથી. તેથી તેમણે આગળથી પણ તમાકુની વસ્તુઓ મોંઘી પડી રહી છે. તેમ છતાં તેઓ ગ્રાહકોને માંગ પૂરી કરવા ખરીદી અને વેચાણ કરી રહ્યાં છે. પરંતુ, આ વાતમાં કોઇ તથ્ય દેખાતું નથી અને ગલ્લાનાં માલિકો દ્વારા વ્યસનીઓના આર્થિક રીતે ગેરલાભ ઉઠાવવાનું સ્પષ્ટ દેખાય છે. કારણકે જેમની પાસે જૂનો સ્ટોક પડયો છે અને જૂના ભાવે ખરીદ્યો છે.તેઓ પણ ઊંચા ભાવે તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે. પોલીસ અને સરકારને આ વાતની માહિતી હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. કારણકે અર્થશાસ્ત્ર મુજબ તમાકુ મોજશોખની વસ્તુ છે જીવન જરૂરિયાતની નહીં.