- જમાલપુર ફૂલ બજારમાં વહેલી સવારથી જ ફૂલોની ખરીદીની ભીડ જામી
- ગુલાબના ફૂલની કિંમત ત્રણ ગણી વધી, બપોર સુધીમાં ગુલાબ ખૂટી પડ્યા
- અન્ય બે વર્ષની સરખામણીએ વ્યાપાર વધતા વેપારીઓની દિવાળી સુધરી
અમદાવાદ: અમદાવાદ અને ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર માર્કેટ (Flower Market) એવા જમાલપુરમાં ફુલોની ખરીદી (Purchase of flowers) વહેલી સવારથી જ જોવા મળી હતી. છેલ્લા બે વર્ષમાં કોરોના દરમિયાન ઘણા વેપારીઓ એવા હતા કે, જેમને દિવાળી સમયે પણ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આ વર્ષે એક જ વેપારીએ એવરેજ 500થી 700 કિલો ફૂલ બપોર સુધીમાં વેચી દીધા હતા. જમાલપુર ફૂલ બજારમાં તેમજ આજુબાજુના નાના-મોટા 300 જેટલા વેપારીઓ છે. વેપારીઓએ દિવાળીના આજના આ શુભ દિવસે હજારો કિલો ફૂલ વેચ્યા હતા. ફૂલની ડિમાન્ડ વધતાં ફૂલની કિંમતમાં પણ ત્રણ ગણો વધારો થયો હતો.
આ પણ વાંચો: Diwali 2021: દિવાળીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ અંગે જાણો
ગુલાબ 300થી 400 રૂપિયા કિલો, ગેંદાના ફૂલ 120 રૂપિયા કિલોએ લોકોએ ખરીદી કરી
જમાલપુર માર્કેટ (Flower Market) માં સૌથી વધુ ગુલાબ અને ગેંદા એટલે કે ગલગોટાના ફૂલ વેચાય છે. ગુલાબના ફૂલની કિંમત રૂપિયા 300થી 400 કિલો જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં 100 રૂપિયા કિલોના ભાવના ગુલાબ મળતા હોય છે, જ્યારે ગેંદાના ફૂલની કિંમત 120 રૂપિયા કિલો હતી. સામાન્ય દિવસોમાં 40 રૂપિયા કિલોના ભાવે ગેંદાના ફૂલ મળે છે, જ્યારે લીલીના ફૂલ રૂપિયા 400 કિલોના ભાવથી જમાલપુર બજારમાં વેચાયા હતા. સામાન્ય દિવસો કરતા બેથી ત્રણ ગણો વધારો લીલીના સફેદ ફૂલમાં જોવા મળ્યો હતો. જેવી રીતે શેર માર્કેટમાં ઘડીભરમાં શેરોના ભાવમાં વધઘટ થાય છે તેવી જ રીતે દિવાળીના સમયમાં ફૂલોના ભાવમાં એકથી બે કલાકમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. વહેલી સવારે ગુલાબના ફૂલ જે ભાવે મળતા હોય છે, ત્યાં દસ વાગ્યા આજુબાજુ ફૂલોના ભાવમાં વધારો થઈ જાય છે.