- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે લગાવ્યું એડીચોટીનું જોર
- 50 ટકા કરતાં વધુ ટિકિટ યુવાનોને આપવાનો કોંગ્રેસનો એજન્ડા
- કોંગ્રેસના માળખામાં જલદી જોવા મળશે બદલાવ: સાતવ
અમદાવાદ: 2015માં જે ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં સારૂં પ્રદર્શન કરી શકી નહતી. ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. હવે જ્યારે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે શહેરી વિસ્તારોમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં દરેક વોર્ડમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહે તે માટે દરેક વોર્ડમાં બૂથ સ્તરનું કામ, સારા ઉમેદવાર શોધવાનું કામ, સારો ઉમેદવાર જે પ્રજાના હિતમાં અને પ્રજાને પડી રહેલી સમસ્યાઓનું જલદી સમાધાન કરી શકે તેવા ઉમેદવાર પર કામ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી શહેરી વિસ્તારોમાં ભાજપની સત્તા રહેલી છે. મહાનગર પાલિકા, નગરપાલિકામાં પણ ભાજપની સત્તા રહેલી છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષોથી તેમની સત્તા છે. દેશમાં પણ તેમની સત્તા છે. પરંતુ તેમ છતાં હજી સુધી વર્લ્ડ કલાસ સીટી નથી બનાવી શક્યા, આજે શહેરમાં પ્રોપર્ટી ટેક્સનો ઈશ્યુ રહેલો છે. શિક્ષણ સારું નથી મળી રહ્યું, વિદ્યાર્થીઓના વાલીઓએ ફી વધારે ભરવી પડી રહી છે. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ નીવડી હતી. ખાસ કરીને મોટા શહેરોમાં ડોક્ટરની સમસ્યા હતી, હોસ્પિટલમાં પથારીઓ ખાલી ન હતી. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી હતી. બહુ બધા મુદ્દાઓ રહેલા છે. જેને લઈ આગામી દિવસોમાં લોકો જોડે જઈશું અને સારી દિશામાં કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.
રાજીવ સાતવ સાથે ખાસ વાતચીત કોંગ્રેસે જે પ્રતિનિધિની પસંદગી કરે છે તે બીજી પાર્ટીમાં કેમ જોડાઈ જાય છે?
ભૂતકાળમાં આ બાબત રહેલી હતી. જેની પાછળનું કારણ કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા તેની પાછળ દેખાઈ રહ્યું હતું કે તે ઉમેદવાર થોડો શક્તિશાળી છે. વિજય થઈ શકે છે. આ બધી બાબતો ધ્યાને લેવામાં આવતી હતી. પરંતુ હવે કોંગ્રેસની આ લાઈન રહી નથી. કોંગ્રેસ હવે પાર્ટીમાં લાંબા સમયથી કામ કરી રહેલા, કેડરમાં રહેનારા, પાર્ટીના મુદ્દાને ઉઠાવવા વાળા, લોકો માટે સંઘર્ષ કરનારા ઉમેદવારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી આપવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસની લાઈન ખુબ જ ક્લિર રહેલી છે. પાર્ટીના હિતમાં કામ કરવા વાળા, લોકોની વચ્ચે રહેનારા ઉમેદવારને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાબદારી આપવામાં આવી રહી છે.
બૂથ લેવલે કોંગ્રેસની તૈયારી કેવા પ્રકારની?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેનું પણ એક કારણ રહેલું છે કે, કોંગ્રેસ માસ બેઝ પર કામ કરતી હતી. પરંતુ હવે કોંગ્રેસે બૂથ લેવલે કામ કરવાનું શરૂ કર્યું છે. જનમિત્રના માધ્યમથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કામ કરવાનું શરૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં બૂથ લેવલે કરેલું કામ અને તેનું મજબૂત પરિણામ આગામી ચૂંટણીમાં જોવા મળશે.
ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસે ક્યા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે?
કોંગ્રેસ અત્યારે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. જેમાં ગ્રાઉન્ડ લેવલે રહીને પ્રજાનું કામ કરતો હોય અને કોંગ્રેસની વિચારધારા સાથે કામ કરતો હોય તેવા ઉમેદવાર પર કોંગ્રેસ ધ્યાન આપી રહી છે.
BTP અને AIMIMના ગઠબંધનને કેવી રીતે જોઈ રહ્યા છો?
જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે નવા ઉમેદવાર અને નવી પાર્ટીઓ મેદાનમાં આવતી હોય છે. ત્યારે સ્વભાવિક રીતે જ લોકતંત્રમાં નવી પાર્ટી ચૂંટણી મેદાનમાં આવે તેમાં કોઈ નવાઈ નથી. ગુજરાતની જનતાની વાત કરવામાં આવે તો ગુજરાતની જનતા ખુબજ વિચારી સમજીને મતદાન કરતી હોય છે. 2014ની ચૂંટણી હોય, 2015નું મતદાનની પદ્ધતિ જોઈએ, 2017ની ચૂંટણીમાં પણ આ જ પ્રકારનો અભિગમ જોવા મળ્યો રહેલું છે. એટલે જ ગુજરાતમાં વોટ માગવાનો દરેકનો અધિકાર છે. પરંતુ કોંગ્રેસને વિશ્વાસ છે કે 2015 કરતા 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ ખુબજ સારું જોવા મળશે.
AAP અને AIMIM પણ ચૂંટણી માટે કરી રહી છે તૈયારી
AAP અને AIMIM પાર્ટી સાથેના સંઘર્ષનો મારો જૂનો અનુભવ રહેલો છે. પરંતુ અમારી લડલ પહેલેથી જ BJP સાથે છે અને ત્યારે પણ BJP સામે જ અમારી લડત રહેલી છે. તેનું કારણ છે કે, એ જ સત્તાધારી પાર્ટી છે. સત્તામાં કોણ આવશે અને કોણ નહીં તેના માટેનો અમારો એજન્ડા નથી. કોંગ્રેસનો એક જ સિદ્ધાંત છે પ્રજા માટે કામ કરવું છે અને કોંગ્રેસ તે જ કરશે.
AIMIMથી કોંગ્રેસને કેટલું નુકસાન?
કોંગ્રેસે મજબૂત થવું હોય તો કોંગ્રેસે પહેલાં બૂથ લેવલે કામ કરવું પડશે. પ્લાનિંગ મજબૂત કરવાની જરૂર છે. જેનાથી કોંગ્રેસ જીતી શકે છે. દર વખતે આ ચર્ચા થતી હોય છે. બહુ બધી પાર્ટીઓ ચૂંટણી લડતી હોય છે. પરંતુ કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બૂથ લેવલે કામ કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. અમે લોકોની સમસ્યા ઉઠાવવા ચૂંટણી લડી રહ્યા છીએ. ગુજરાતમાં કોઈ પણ મોટી કામગીરી થઈ છે તો એ કોંગ્રેસના શાસનમાં જ થઈ છે. ત્યારે હવે કોંગ્રેસ એક જ પ્રજા માટે વિકલ્પ રહેલો છે. જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે.
ગુજરાતની દરેક સમસ્યા અહેમદ પટેલ થકી ખુબજ સરળ રીતે દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મુકવામાં આવતી હતી. પરંતુ તેઓ હવે નથી રહ્યા તો હવે દિલ્હી હાઇકમાન્ડને કેવી રીતે ગુજરાતની સમસ્યા પહોંચાડવામાં આવશે?
રાજીવ સાતવે જણાવ્યું કે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસના જ નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજ નેતા હતા. કોંગ્રેસના ટ્રબલ શૂટર તરીકે અહેમદ પટેલને જોવાતા હતા. કોંગ્રેસમાં કોઈ પણ સમસ્યા રહેલી હોય તો તેમાં અહેમદ પટેલનું માર્ગદર્શન લેવામાં આવતું હતું, અહેમદ પટેલનું નિધન કોંગ્રેસ પક્ષ માટે ખુબજ દુઃખદ બાબત છે. અમારા તમામ માટે ન પુરાય તેવી એક ખોટ છે. બીજી તરફ નિશ્ચિત રીતે હાઇકમાન્ડ સમક્ષ કોર્ડિંનેશન વધારવાની દિશામાં ચોક્કસ કામ કરવામાં આવી રહ્યું છે. તેના માટે થઈ સૌથી વધુ સમય પણ હું ગુજરાતમાં જ આપી રહ્યો છે. જેની પાછળનું કારણ આ જ છે. જ્યાં પણ કોઈને કોઈ સમસ્યા રહેલી હોય તો તે કોર્ડિંનેશન કરી હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી શકું તે માટે હું કામ કરી રહ્યો છું. જેને લઈ મને આશા છે કે, 2015 કરતા વધારે સારું પરિણામ આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે રહેશે.
આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના માળખામાં કોઈ પરિવર્તન?
કોંગ્રેસના માળખામાં બદલાવ તો આ એક - બે મહિનામાં જ આવી જશે, જેમાં કેટલાય જિલ્લા પ્રમુખ બદલાઈ જશે, પ્રદેશમાં જવાબદારી પણ બદલવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓને કેટલીક જવાબદારી વધારવામાં આવી રહી છે. કોંગ્રેસ આ વખતે નિષ્ક્રિય ભૂમિકા દેખાડનારા સામે ખુબજ કડક રીતે કાર્યવાહી કરી રહી છે. જ્યાં કોઈની પણ ભૂલ રહેલી હોય છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યા ચહેરાઓને ટિકિટ આપશે?
કોંગ્રેસ આ વખતે 50 ટકા કરતા વધારે યુવા ચહેરા પર વધારે ધ્યાન આપી રહી છે. તેના માટે થઈ કમિટીને જણાવી પણ દેવામાં આવ્યું છે. ત્યારે તે જિલ્લા કક્ષાએ હોય, મહાનગર કક્ષાએ હોય કે ગમે ત્યાં હોય પરંતુ યુવાનોને કોંગ્રેસ વધારે પ્રભુત્વ આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. બીજી તરફ કોર્પોરેટર જે રહેલા છે જેમાં સીટીંગ ગેટિંગની લાઈન આ વખતે કોંગ્રેસે નથી રાખી, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય મહાપાલિકા હોય જેમાં સારું કામ કરી રહ્યા હોય, પ્રજાનો વિશ્વાસ જીતવા સક્ષમ, પ્રજાનું કામ કરી શકતો હોય, પ્રજાનું કામ કરતો હોય તેવા ઉમેદવારને રિપીટ કરવાની વાત હોય તે જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે પરંતુ કામ જ ન કરતો હોય તેવા ઉમેદવાર રિપીટ નહિ કરવામાં આવે તેમ રાજીવ સાતવે જણાવ્યું હતું.