- આરોગ્ય પ્રધાનો આજે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાતે
- દર્દીઓ સાથે મળીને તેમની સારવાર વિશે માહિતી મેળવી
- ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સિનેટ કરવાનો સરકારનો પ્રયાસ
અમદાવાદ: રાજ્યના નવનિયુક્ત કેબિનેટ કક્ષાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથાર આજે મંગળવારે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાખલ દર્દીઓ સાથે તેમની સારવારને લગતી માહિતી મેળવી હતી અને તબીબો અને પેરામેડીકલ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 23 સપ્ટેમ્બરથી મેગા ડ્રાઈવ યોજાવા જઈ રહી છે. જેમાં વાર્ષિક 4થી 6 લાખ આવક મર્યાદા ધરાવતા પરિવારના તમામ સદસ્યો માટે એક અલગ કાર્ડ આપવામાં આવશે.
નવનિયુક્ત કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી જાહેરાત ડિસેમ્બર સુધી રાજ્યના તમામ લોકો વેક્સિનેટ થાય તેવો પ્રયત્ન
કેબિનેટ કક્ષાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં રાજ્યમાં 70 લોકો વેક્સિનેટ થઈ ચૂક્યાં છે. જ્યારે, 40થી 50 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળી ચૂક્યો છે. ત્યારે સરકાર તરફથી ડિસેમ્બર સુધીમાં તમામ લોકો વેક્સિન મેળવી લે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં માં વાત્સલ્ય કાર્ડ અને માં કાર્ડને મર્જ કરી દેવામાં આવશે. જેથી પરિવારના દરેક સભ્ય પાસે પોતાનું આરોગ્ય કાર્ડ હશે.
નવરાત્રિમાં ભીડ ના થાય તે માટેની તકેદારી લેવી જરૂરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો ઈચ્છે છે કે તેઓ ગરબા રમે. તેથી એવામાં જરૂરી છે કે વધુ ભીડ ન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે. નવરાત્રી દરમિયાન મોટા મેળાવડા ન થાય અને લોકો પણ હર્ષોલ્લાસથી આ વખતે નવરાત્રી રમે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.