અમદાવાદઃ શહેરમાં મંદિરોમાં થતી ચોરીના કિસ્સાઓ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. નવરંગપુરા વિસ્તારમાં ઘરની જ અંદર મંદિર હતું, જ્યાં રાખવામાં આવેલી તિજોરીમાંથી તસ્કરોએ રૂ. 1.47 લાખની ચોરી કરી હતી. જોકે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ: નવરંગપુરામાં મંદિરનો દરવાજો ખુલ્લો રાખવો ભારે પડ્યો, 1.47 લાખની ચોરી - Navrangpura
શહેરમાં મંદિરોમાં થતી ચોરીના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આવો જ એક બનાવ બન્યો નવરંગપુરામાં. નવરંગપુરામાં ઘરની જ અંદર એક મંદિર આવેલું છે. જ્યારે પરિવારના તમામ સભ્યો રાત્રે સુતા હતા ત્યારે તસ્કરોએ રાતનો લાભ ઉઠાવી મંદિરમાંથી રૂ. 1.47 લાખની ચોરી કરી લીધી હતી. પરિવારે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, નવરંગપુરામાં રહેતા મનોજ ગાંધી એક નીરમા યુનિવર્સિટીમાં પ્રોડક્શન મેનેજરની નોકરી કરે છે. ગુરુવારે રાત્રે ઘરના બધા સુતા હતા ત્યારે તસ્કરો બધા સુતા હોવાનો લાભ લઈ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મનોજભાઈની પત્નીએ કહ્યું કે, આપણા ઘરના મંદિરમાંથી ચોરી થઈ ગઈ છે. મંદિરમાં ભગવાન ઠાકોરજીને ગરમી ન લાગે તે માટે મંદિરનો દરવાજો ખુલ્લો મુક્યો હતો. પૂજાના બારણેથી તસ્કરો અંદર પ્રવેશી ઠાકોરજીને રૂમમાંથી ગેલેરીની જગ્યામાં મુકી દીધા હતા અને તમામ સામાન અસ્તવ્યસ્ત કરી રૂ. 1.47 લાખની ચોરી કરી હતી.
પૂજાના રૂમમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને તિજોરીના અલગ અલગ ડ્રોઅર તથા ચોર ખાનામાંથી કિંમતી દાગીના તથા રોકડા સહિત 1.47 લાખની મતા ચોરી થઈ હતી. આથી તેઓએ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.