- યુવકે જીવતી પત્નીનું ખોટું ડેથ સર્ટીફિકેટ બનાવ્યું
- અન્ય યુવતી સાથે દુષ્કર્મ આચરી લગ્ન કર્યા
- પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી આરોપીની કરી ધરપકડ
અમદાવાદઃ શહેરમાં એક વ્યક્તિએ પોતાની પત્ની જીવતી હોવા છતાં તેને મૃત બતાવી અન્ય યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું, તેમજ તે બાદ લગ્ન કર્યા હતા અને બાદમાં યુવતી પાસે છુટાછેડા માંગ્યા હતા. જે મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
જીવતી પત્નીનું ખોટું ડેથ સર્ટીફિકેટ બનાવી અન્ય યુવતી સાથે દુષ્કર્મ આચરી લગ્ન કર્યા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, લવેન્દ્રસિંહ ચૌધરી નામના આરોપીએ પોતાની પહેલી પત્ની જીવીત હોવા છતા તેનુ બનાવટી ડેથ સર્ટીફિકેટ બનાવી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ તે ગર્ભવતી થતા તેના પિતા અને મોટાભાઈએ ગર્ભપાત કરાવી, છુટાછેડા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી લવેન્દ્રની ધરપકડ કરી છે. લવેન્દ્ર અમેરિકામાં રહેતો હોવાથી તે ભારત આવતો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે તેની ધરપકડ કરી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બન્ને એક સાથે અભ્યાસ કરતા હોવાથી એક બીજાને ઓળખતા હતા અને વર્ષ 2013માં લવેન્દ્રએ જણાવ્યું કે તેના લગ્ન દહેજ માટે તેના માતા-પિતાએ કરાવ્યાં છે. પરંતુ પોતાને મંજુર ન હોવાથી તે છુટાછેડા લઈ રહ્યો છે અને પોતે ઈન્ડિયન આર્મીમા મેજર હોવાનુ જણાવ્યું હતુ. ઉપરાંત અમેરિકા ખાતે આરોપીએ ફરિયાદી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. સાથે જો ફરિયાદી તેની સાથે લગ્ન નહી કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. શું ખરેખર આરોપી આર્મીમાં છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.