- 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
- વિશ્વનું અનોખું ક્રિકેટ સ્ટેડિયમ
- આંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પ્લેટફોર્મ મળશે
- 233 એકરમાં ઓલમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સ રમાડી શકાય તેવી તમામ ખેલ સુવિધાઓ અમદાવાદમાં સાકાર થશે
- હેરિટેજ સિટી એવું અમદાવાદ હવે સ્પોર્ટસ સિટી તરીકે ખ્યાતિ પામશે
અમદાવાદ : આ ક્રિકેટ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” નામાધિમાન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની પરિકલ્પના નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે જ કરી હતી અને ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ બનીને તેમને સાકાર કરવા માટે બળ આપ્યું હતું, તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિએ કેમ છો, બોલીને કરી સંબોધનની શરૂઆત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ધાટન કરીને આનંદ થયો છે ” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિતો નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, ચાર દાયકા પહેલા આ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ધાટન કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ આવ્યાં હતાં. આજે પુન:નિર્માણ પામેલા અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમનો ઉદ્ધાટન કરવાનો અવસર મને સાંપડ્યો છે, જે માટે હું પોતાને ભાગ્યશાળી સમજૂ છું.
હવે ખેલાડીઓને વધુ સુવિધાઓ મળશે
રામનાથ કોવિંદે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 90 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મેલબોર્ન સ્ટેડિયમ વિશ્વ સ્તરે પ્રખ્યાત હતુ, પરંતુ હવે 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ બનવાથી આ ખ્યાતિ હવે અમદાવાદને મળશે. ભારત ક્રિકેટની જેમ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. મોટેરામાં નિર્મિત થયેલા અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ભારતની આશાઅપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. આ ક્રિકેટ સ્ટેડિયમથી પ્રેક્ષકોને રમતગમતનો અદભૂત આનંદ મળશે અને ખેલાડીઓનો આધુનિક સ્પોર્ટસની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” તરીકે નામાધિમાન આ સંકૂલમાં ક્રિકેટ જ નહીં પણ અન્ય રમતો પણ રમાશે
ગુજરાત ક્રિકેટ એસોશિએશનના સહકારથી આ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. GCAના સહયોગથી જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ જેવા ક્રિકેટર્સની ભેટ ભારતીય ક્રિકેટ ટીમને મળી છે. બુધવારે ઇંગ્લેડ સામે શરૂ થનારા ટેસ્ટ મેચ માટેની પણ તેમને અગ્રિમ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સંકૂલ માત્ર ક્રિકેટ પૂરતું સીમિત ન રહેતા અન્ય સ્પોર્ટસ માટેની પણ સુવિધાઓ હોવાથી મલ્ટી સ્પોર્ટસ એન્કલેવ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની યજમાની કરવા માટે સુસજ્જ બનશે.
આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેનું ક્રિકેટ સ્ટેડિયમ
આ ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનું એનર્જી એફિસિયન્ટ બનાવવામાં આવ્યું છે, તેમ જણાવતા તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારથી જ તેમને ગુજરાત રાજ્યમાં ખેલે ગુજરાતની શરૂઆત કરાવી હતી. તેમજ અત્યારે રાષ્ટ્રમાં ખેલની સંસ્કૃતિ જન્મે તે માટે ખેલો ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા અભિયાન દ્વારા ખેલ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યાં છે. ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ દ્વારા દેશના નાના કસબામાં રહેતા તેમજ દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ ઓલમ્પિક માટેની સુવિધાઓ મળે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જે અન્વયે ખેલ પ્રતિભાને ઓળખી, તાલીમ આપી ઓલમ્પિક સુધી પહોંચે તે માટેની સગવડ ઉભી કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિએ આપ્યું એક ઉદાહરણ
રાષ્ટ્રપતિએ સ્પોર્ટસ ફેસિલિટી અને એક્સેસ ટૂ સ્પોર્ટસ ફેસિલિટીના મહત્વ વિશે સમજાવતાં દિલ્હીના એક ઢાબામાં રહેતા સુવિધાઓ વિહોણા અને આર્થિક સગવડોથી વંચિત યુવા સાયકલિસ્ટને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલી સાયકલની સહાય અને તેની તાલીમની સગવડ આપવાથી આ યુવાન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટેની રમત માટે લાયક ઠર્યો હતો. તેના ઉત્કૃષ્ઠ પ્રદર્શન દ્વારા સાયકલિંગમાં આગવી નામના મેળવી હતી, રાષ્ટ્રપતિએ આ પ્રસંગ વર્ણવ્યો હતો.
ગુજરાતનો ખેલાડી અગ્રિમ હરોળમાં સ્થાન પામશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી કહેતા કે, જ્યાં સુધી રમત-ગમત ક્ષેત્રે યુવાનો આગળ નહીં વધે ત્યાં સુધી દેશ આગળ વધી શકશે નહી. આ પરિકલ્પનાને સાકાર કરવા જ વડાપ્રધાને ખેલો ઇન્ડિયા અને ફીટ ઇન્ડિયા અભિયાન હાથ ધર્યા છે. રમતગમત ક્ષેત્રે બજેટની જોગવાઇ વધારીને છેક તાલુકા અને ગામડા સુધી સુવિધાઓ વિસ્તારીને નરેન્દ્ર મોદીએ રમતગમતને પ્રાધાન્ય આપ્યું છે. આનાથી વૈશ્વિક સ્તરે રમતવીરોમાં ગુજરાતનો ખેલાડી અગ્રિમ હરોળમાં સ્થાન પામે તે દિવસ હવે દૂર નથી. એટલું જ નહીં ખેલ જગતમાં દેશના યુવાનો તેમના સ્વપ્ન સાકાર કરી ભારતનું નામ રોશન કરે તે સમયની માગ છે.
ગુજરાતનો ખેલાડી અગ્રિમ હરોળમાં સ્થાન પામશે : અમિત શાહ સ્પોર્ટ્સ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે
અમિત શાહે વધુમાં ઉમેર્યુ હતું કે, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ 233 એકરમાં બનતાં આ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે. આ સાથે નારણપુરા વિસ્તારમાં 18 એકરમાં સ્પોર્ટસ સંકૂલ પણ આકાર પામી રહ્યું છે. આ સુવિધાઓ સાથે અમદાવાદ શહેર દેશ અને વિશ્વ આખાય માટે રમતગમત ક્ષેત્રે આગવી પ્રતિભા ઉપસાવવાનારુ શહેર બનશે.
અમદાવાદ હવે રમતગમત ક્ષેત્રે નામ રોશન કરશે
નરેન્દ્ર મોદી હંમેશા કહેતા કે, ગુજરાતને રમતગમત અને સેનામાં આગળ વધવું જોઇએ, નરેન્દ્ર મોદીની આ ઇચ્છા આજે પૂર્ણરૂપે સંપન્ન થઇ છે. હવે ગુજરાતી યુવાઓ સેનામાં ભરતી થઇ રહ્યાં છે અને સાથેસાથે રમતગમત ક્ષેત્રે પણ આગવી પ્રતિભાથી દેશનું નામ રોશન કરી રહ્યાં છે. વિશ્વના સૌથી મોટા સ્પોર્ટસ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” તરીકે નામાભિધાન કરતા સ્ટેડિયમની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને વિશેષતાઓ વિશે ગૃહપ્રધાને લોકોને માહિતગાર કર્યાં હતાં.
એન્કલેવ સાથે 65 શાળાઓને જોડવામાં આવશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં અનેક પ્રકારની વ્યવસ્થાઓ હશે. સ્ટેડિયમ અને એન્કલેવ સાથે આસપાસની 65 શાળાઓને જોડવાનો નિર્ણય કર્યોં છે. વિદ્યાર્થીઓ સપ્તાહમાં એક દિવસ અહીં આવશે અને રમશે. આ માટે 34 બસોની વ્યવસ્થા કરાશે જેથી શાળાના વિદ્યાર્થીઓ રમતવીરો તેમાં રમતગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવી શકશે, એમ તેમને ઉમેર્યું હતું. આ ગ્રાઉન્ડ પર દેશના વિખ્યાત ક્રિકેટર શ્રીનાથ, કપિલદેવ, સુનીલ ગાવસ્કર, સચીન તેન્ડુલકર, ચેતેશ્વર પુજારા જેવા ક્રિકેટરોની સિદ્ધિઓ જોડાયેલી છે.
રમતવીરો માટે મહત્વનું પ્લેટફોર્મ
સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. દેશના રમતવીરો વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે પોતાની રમત પ્રતિભા ઝળકાવી શકે, તે માટે એક મહત્વનું પ્લેટફોર્મ બનશે. સરદાર પટેલનું દેશની અખંડિતતા માટેનું યોગદાન આખુ વિશ્વ જાણે છે. કોંગ્રેસે સરદાર પટેલની પ્રતિભા ભૂંસવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવીને આખાય વિશ્વમાં તેમની પ્રતિભાની આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરી છે. કુલ રૂપિયા 4,600 કરોડના ખર્ચે બનનારા આ સ્પોર્ટસ એન્કલેવનું PPP મોડલથી નિર્માણ કરવામાં આવશે. ફુટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ, તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકૂલમાં આકાર પામશે. રમત-ગમત ક્ષેત્રે નામના મેળવનારા શ્રેષ્ઠ યોગદાન આપનારા નામાંકિત ખેલાડીયોનું નામ આ વિવિધ સ્ટેડિયમ સાથે જોડવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર દેશ માટે ઐતિહાસિક : કિરણ રિજ્જુ
કેન્દ્રીય યુવા અને રમતગમતપ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું કે, આજનો દિવસ ફક્ત ખેલ જગત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે. આપણે પહેલા સ્વપ્ન જોતા હતાં કે, વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ ભારતમાં ક્યારે નિર્માણ પામશે? પરંતુ આજે હું અમદાવાદની ભૂમિ પરથી કહી શકુ છું કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખરા અર્થમા સાકાર થઇ ચૂક્યું છે. આ સ્ટેડિયમ વિશ્વના મોડલ સ્ટેડિયમ તરીકે ટૂંકા ગાળામાં નિર્માણ પામ્યુ છે, તે સ્વયં એક રેકોર્ડ સમાન છે. અમદાવાદ શહેર દેશના સ્પોર્ટસ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે, તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, આજે ગુજરાતમાં રમત-ગમતની અત્યાધુનિક સુવિધાઓ ઉભી થવાના કારણે યુનિવર્સિટી સ્તરની વિવિધ રમતોમાં ગુજરાત રાજ્ય દેશના ટોપ 5માં સ્થાન મેળવી ચૂક્યું છે.
આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશેઃ નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વયં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના શુભારંભ અને સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતીઓ અગાઉ તેમની વ્યાપાર કુનેહ માટે જ જાણીતા હતા, તેવા ગુજરાતમાં આ સ્ટેડિયમની શરૂઆતથી રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટેનું ક્ષેત્ર આકારીત થઇ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કંઇ પણ કાર્ય કરે છે, તે અપ્રતિમ અને સૌથી મોટું કરે છે. તેમની પ્રેરણાથી આ અગાઉ ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિર્મિત કરીને વિશ્વ સમક્ષ તેના દર્શન કરાવ્યાં છે. હવે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનાવીને સ્પોર્ટસ ક્ષેત્રે પણ આગવો ચીલો ચીતર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયું
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ભારતનું નામ વિશ્વના રમતગમત ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે રેખાંકિત થાય તે સ્વપ્નને સિદ્ધ કરવાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં આકાર પામ્યું છે. આ પ્રસંગે ભારત દેશે મેળવેલા રમતગમત સિદ્ધિઓની તથા સ્પોર્ટ્સ એન્કલેવ અને ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યાં
આજના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાંસદ પરિમલ નથવાણી, BCCIના સચિવ જય શાહ, GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણી, રાષ્ટ્રપતિના પત્ની સવિતા કોવિંદ અને ખેલ જગતના નામાંકિત ખેલાડીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.