- ગુજરાતના ધર્મ સ્વતંત્રતા સુધારા બિલને લઇ કલમ 5 પર સ્ટે હટાવવા મામલે રાજ્ય સરકારે કરેલી અરજીનો મામલો
- અરજદારના વકીલે એડવોકેટ જનરલે કરેલી માંગ સામે કર્યો વિરોધ
- હાઇકોર્ટે કલમ 5 ઉપરનો સ્ટે યથાવત રાખ્યો
ન્યૂઝ ડેસ્ક- આજે હાઇકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજૂઆત કરી હતી. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજૂઆત ફગાવી દીધી છે. જેના કારણે લવ જેહાદના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઇ પર હાઇકોર્ટનો મનાઇ હૂકમ યથાવત રહેશે.
માત્ર લગ્નના આધાર પર FIR નહી
ઉલ્લેખનીય છે કે, લવ જેહાદના કાયદાની અમુક જોગવાઇઓની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3,4,5 અને, 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકે નહીં, તેવું હાઈકોર્ટનું અવલોકન હતું. હાઇકોર્ટે આદેશ કહ્યું હતું કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું સાબિત કર્યા બાદ જ FIR થઈ શકશે.