અમદાવાદઃ ગલ્લા તેમ જ દુકાનની આગળ ગંદકી દેખાય તો કોર્પોરેશન દ્વારા ગલ્લાઓને સીલ કરી દેવાય છે તેમ જ 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામા આવી છે. તો કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વિસ્તારમા સ્વચ્છતા રાખવામા ન આવતી હોય તો જનતા દ્વારા મેમો આપવામાં કેમ ન આવે ?
સાવધાન એએમસી! વાસણા વોર્ડમાં ગંદકીના મુદ્દે રાષ્ટ્રીય નિર્માણ સેનાએ આપ્યો જનતા મેમો - જનતા મેમો
મેમો આમ તો તંત્ર દ્વારા ફાડવામાં આવતો હોય છે અને કસૂરવાર જનતામાંથી કોઇ હોય છે. ત્યારે અમદાવાદમાં આજે મ્યૂનિસિપલ કોર્પોરેશનને જનતા તરફથી મેમો પાઠવવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે રાષ્ટ્રીય નિર્માણ સેનાએ કોર્પોરેશનને વાસણા વોર્ડમાં ગંદકીના મુદ્દે જનતા મેમો ફટકાર્યો હતો. જો એએમસી તંત્ર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો આરએનએસ દ્વારા વાસણા વોર્ડનો કચરો વાસણાની મ્યૂનિસિપલ કચેરીમાં નાંખવાનો કાર્યક્રમ પણ અપાશે.

વાસણા વોર્ડ ખાતે વારંવાર રસ્તા તેમ જ ગંદકીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપવામા આવેલી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકીનો નિકાલ ન થતા આજરોજ રાષ્ટ્રીય નિર્માણસેનાના ગુજરાત પ્રમુખ અનિલ દાફડા અને અમદાવાદ શહેરનું પ્રતિનિધિ મંડળ દ્વારા વાસણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર જઈને જનતા મેમો આપવામાં આવ્યો હતો.ે આગામી દિવસોમાં આ ગંદકીનો નિકાલ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા આ કચરાને જાતે ઉઠાવી કોર્પોરેશનની ઓફિસમાં નાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ગંદકી અને રોગચાળાનો પ્રશ્ન સર્જાશે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિસ્તારની સાફસફાઈ રખાય તે ખૂબ જ જરૂરી છે.