રાજ્યમાં ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગે 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કરી આગાહી
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
- માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સુચના
- ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં રેડ એલર્ટ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 16 ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે રેડ એલર્ટ પણ જારી કર્યો છે.
16 ઓગસ્ટ સુધી પડી શકે છે ભારે વરસાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના મોટાભાગના જિલ્લામાં તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલી સહિત વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટને ધ્યાને રાખી તકેદારીના ભાગરૂપે માછીમારોને ૧૬ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સલાહ આપવામાં આવી છે.
IMDએ વરસાદના કારણે રાજ્યમાં રેડ એલર્ટ, 16 ઓગસ્ટ સુધી પડી શકે છે ભારે વરસાદ હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે રેડ એલર્ટ એ વાતનો સંકેત આપી રહ્યું છે કે, રાજ્યમાં ભારે વરસાદથી કાચા અને જર્જરીત મકાનો તેમજ રસ્તાઓને નુકસાન થઈ શકે છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા ઉભી થઇ શકે છે. આ સિવાય રાજ્યમાં વિઝિબિલિટી ઘટી શકે છે, જેના કારણે અકસ્માતનું પણ જોખમ વધી શકે છે, જેને લઇ હવામાન વિભાગે તમામ લોકોને સતર્ક રહેવા અપીલ પણ કરી છે.
IMDએ જણાવ્યું કે, ગુરુવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. ૧૬ ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઇ સતર્ક થઇ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં NDRFની ટીમો પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. 14 ટીમોને હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તૈનાત કરી દેવામાં આવી છે, સાથે રાજ્ય સરકાર પણ મોટાભાગના જિલ્લાઓમાં કલેક્ટર સાથે પરિસ્થિતિ અંગેનો સતત ચિતાર મેળવી રહી છે.