અમદાવાદઃ હવામાન વિભાગ તરફથી જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો-પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3થી 5 દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી 22 ઓગસ્ટ સુધી તમામ વિભાગોને એલર્ટ રહેવા પણ આગોતરી સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તમામ વિભાગને તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, સવારે 6થી બપોરે 2 સુધી 115 તાલુકાઓમાં 1 મિ.મીથી લઈ 62મિ.મી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી
ગુજરાતમાં આગામી 3થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. મંગળવારે ગાંધીનગરમાં રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ.આર.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી
આગામી અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીની શક્યતાને ધ્યાનમાં રાખી NDRFની ટીમો સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. આ ટીમોને જરૂરિયાત પડ્યે ઉત્તર ગુજરાતમાં પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ હાલ યથાવત રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને સચેત કરી દેવામાં આવ્યા છે તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.