અમદાવાદ: લૉકડાઉનની આડઅસર કાપડ બજાર પર થઈ છે. તેમાં માત્ર અમદાવાદમાં જ એક લાખ લોકોને સીધી અસર થઈ છે. 400 થી 500 પ્રોડક્શન હાઉસ બંધ પડ્યાં છે અને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેવામાં અમદાવાદ શહેરમાં જેટલી પણ રેડીમેટ ગારમેન્ટની શોપ છે તેના પર પણ માઠી અસર થઇ છે.
લૉકડાઉનની કાપડ માર્કેટને માઠી અસર, 1 લાખથી વધુ વેપારી પ્રભાવિત થયાં
હાલમાં મહામંદી અને મહામારી વચ્ચે સપડાયેલ અમદાવાદ શહેરના સૌથી મોટા એવા કાપડ માર્કેટની સ્થિતિ કફોડી બની ગઈ છે. તમામ બજારોમાં દર મહિને 40 થી 45 હજાર કરોડનું ટર્નઓવર થાય છે. જે લૉકડાઉનના કારણે છેલ્લાં બે અઢી મહિનાથી બિલકુલ ઠપ થઈ ગયું છે. જેમાં અનેક વેપારીઓ તથા નાના કાપડના વેપારીઓ અને તે વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વર્ગ પર મોટી આફત આવી છે.
લૉક ડાઉનની કાપડ માર્કેટને માઠી અસર, 1 લાખથી વધુ વેપારી પ્રભાવિત થયાં
કાપડ ઉત્પાદન બંધ હોવાના લીધે રોજગારી પર અસર થઈ છે. રેડીમેડ ગારમેન્ટની શોપમાં ગ્રાહકો ટ્રાયલ કરીને પછી જ કપડા ખરીદતા હોય છે પરંતુ કોરોનાની મહામારીના પગલે હવે ટ્રાયલ્સ શક્ય બનશે નહીં અને તેના લીધે જ આ રેડીમેડ ગારમેન્ટ દુકાનોને મોટો ફટકો પડયો છે.
શહેરના માનસી સર્કલ પર આવેલ F સ્ટુડિયો રેડીમેટ ગારમેન્ટ શોપના ઓનર સ્નેહલબહેન જણાવે છે કે હાલ અમારો 10% પણ ધંધો રહ્યો નથી અને જ્યારે શોપમાં કામ કરતાં કર્મચારીઓને પણ પગાર ચૂકવવાનો હોય છે ત્યારે હાલત કફોડી બની ગઈ હતી. હાલ પણ જ્યારે અનલોક એક આવ્યું છે ત્યારે પણ કોઈ ખાસ ઘરાકી થઇ નથી. અને અમારા ધંધામાં લોકો જ્યારે દુકાનમાં આવતાં હોય ત્યારે ટ્રાયલ કરીને પછી જ કપડાં લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અત્યારે એ શક્ય નથી. જેના લીધે અમે લોકોને એક્ સાઇઝ મોટા કપડાં લઈને પછી તેને ફીટીંગ કરવા સલાહ આપતાં હોઈએ છે. પરંતુ હજી પણ ધંધો સેટ થતાં દિવાળી સુધીનો ટાઈમ લાગી જશે તેવું હાલની પરિસ્થિતિને જોતાં લાગી રહ્યું છે.