અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના સૂત્રને ચરિતાર્થ કરતા વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં વધુ સારા ગુણ મેળવ્યા હતા. કેટલાંક વિદ્યાર્થીઓ જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, તેમણે પણ ઉજ્જવળ પરિણામ મેળવ્યું હતું. અમદાવાદમાં CTM વિસ્તારમાં રહેતા રાકેશભાઈ દિપાંજલી, કલર કામનો વ્યવસાય કરે છે. તેમની પુત્રી સવિતા CTMમાં આવેલી 'ઓમ શાંતિ' શાળામાં અભ્યાસ કરે છે. તેણે ધોરણ-12 કોમર્સમાં 99.30 પર્સન્ટાઈલ સાથે 86 ટકા મેળવ્યા હતા.
અમદાવાદ: કલરકામ કરતા પિતાની પુત્રીએ મેળવ્યા 99.30 પર્સન્ટાઈલ - HSC general result
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે 76.29 ટકા આવ્યું છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.20 ટકા રહ્યું હતું.
પોતાના પરિણામ અંગે સવિતા દિપાંજલીએ જણાવ્યું કે, ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં તેના પિતાએ તેને અહીં સુધી ભણાવી છે. તેને સ્કૂલ, ટ્યુશન તેમ જ ઘરે સખત મહેનત કરી, તેનું આ પરિણામ છે. તેની ઈચ્છા છે કે, તે આગળ જઈને બેંક મેનેજર બને.
ઉલ્લેખનીય છે કે, સવિતાની માતા મંજુદેવી નિરક્ષર છે. સવિતાના પિતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે, શાળા તરફથી તેમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ અત્યારે સારી નથી તેથી તેમની પુત્રીને આગળ ભણાવવામાં સમાજ તરફથી કોઈ આર્થિક સપોર્ટ મળી રહે તેવી તેમને આશા છે.