અમદાવાદ: ગુજરાતમાં હાલ મજબૂત વિરાધ પક્ષ નથી, તેવુ ગાણુ ગાતી ભાજપ સરકારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે કમર કસી છે, જો કે આપે પણ શિક્ષણ, ભ્રષ્ટાચાર અને વિજળી-પાણી સહિતના મુદ્દે ઝાડુ (Aap for gujarat campaign) ચલાવવાની શરૂઆત કરી છે, તો કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે પણ લડશે.
આ પણ વાંચો:Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જાણો જૂનાગઢ બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ
2014ની લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત ભાજપ (Bjp for gujarat)માં કોઈ એવો ચહેરો ન હતો, જે ગુજરાતનું સુકાન સંભાળી શકે. પાટીદાર અનામત આંદોલને (Patidar anamat andolan) આનંદીબહેન પટેલની સત્તા પરથી ઉતાર્યા બાદ વિજય રૂપાણીને જેકપોટ લાગ્યો, પરંતુ અસ્થિર સરકારને પરિણામે 2017ની ચૂંટણીમાં ભાજપે 99 સીટો મેળવીને માંડ સરકાર બનાવી. ગુજરાતના શહેરોએ ભાજપની લાજ જાળવી. 2012 વિધાનસભાની ચૂંટણીઓ કરતા તેની 16 બેઠકો ઘટી. તો બીજી તરફ કોંગ્રેસે 77 બેઠકો મેળવીને પોતાના ખાતામાં 16 બેઠકોનો વધારો કર્યો.
2019 ની પેટાચૂંટણીઓ, 10 માંથી 07 બેઠક કબજે કરતું ભાજપ
2017ની વિધાનસભાની ચૂંટણીઓ બાદ ધારાસભ્ય પદ પરથી રાજીનામાં, પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણીઓને કારણે 10 બેઠકો ઉપર ચૂંટણી આવી પડી. એપ્રિલ અને ઓક્ટોબરમાં આ ચૂંટણીઓ યોજાઈ. 10 બેઠકોમાંથી 06 બેઠકો કોંગ્રેસની હતી. જ્યારે 04 બેઠકો ભાજપની હતી. પરંતુ આ ચૂંટણીઓ બાદ 07 બેઠકો ભાજપના ફાળે ગઈ આમ ત્રણ બેઠકો પર કોંગ્રેસને નુકશાન થયું.
1. ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાંથી ચૂંટણી લડ્યા, જેમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 34,280 મતોથી પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 99,252 અને 64,972 મત મળ્યા. જેની ટાકાવારી 56.32 અને 36.87 રહી.
2.જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપ જોઈન કર્યું. ભાજપે પેટા ચૂંટણીઓમાં આ સીટ પરથી વર્તમાન કૃષિપ્રધાન રાઘવજી પટેલને ટીકીટ આપી. રાઘવજી પટેલે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભયને 33,022 મતોથી પરાજય આપ્યો. રાઘવજી પટેલને 88,254 મત મળ્યા જ્યારે જયંતિ સભાયને 55,232 મત મળ્યા. બનેને અનુક્રમે 58.14 અને 36.39 ટકા મત મળ્યા. ઉલ્લેખનીય છે કે, 2012 માં રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી આ બેઠક પર જીત્યા હતા અને 2017 માં ભાજપમાંથી હાર્યા હતા.
3. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપનો પાલવ પકડયો. પેટા ચૂંટણીમાં ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી. જવાહર ચાવડાએ 78,491 મતો મેળવ્યા. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લડાનીને 68,732 મત મળ્યા. આમ જવાહર ચાવડાનો 9,759 મતે વિજય થયો. બંનેને અનુક્રમે 52.01 અને 45.54 ટકા મત મળ્યા. જવાહર ચાવડાને બાદમાં પ્રવાસન પ્રધાન બનાવાયા.
4. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ પક્ષપલટો કરીને ભાજપ સાથે જોડાયા. ભાજપે તેમને ઊંઝાની સીટ ઉપરથી ફરીથી લડાવ્યા. આશાબેન પટેલ 77,459 મત મળ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કાન્તિભાઇ પટેલને 54,387 મત મળ્યા. જોકે 2021 ના ડિસેમ્બર મહિનામાં ધારાસભ્ય આશા પટેલ નિધન થયું અને ઊંઝાની બેઠક ખાલી પડી.
5. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા. ભાજપે તેમને પેટા ચૂંટણીઓમાં ટિકિટ આપી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ 77, 410 મતો મેળવીને અલ્પેશ ઠાકોરને 3807 મતોથી હરાવ્યા. આ ચૂંટણીઓમાં અલ્પેશ ઠાકોરને 73,603 માટે મળ્યા. બંનેને અનુક્રમે 45.52 ટકા અને 43.28 ટકા મતો મળ્યા. આમ અલ્પેશ ઠાકોર કમનસીબ રહ્યા.
6. બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાયા. તેમને પણ પેટા ચૂંટણીઓમાં ભાજપે ટિકિટ આપી. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલને પેટાચૂંટણીઓમાં 65,597 મત મેળવ્યા સામે ધવલસિંહ ઝાલાને 64,854 મત મળ્યા. આમ 743 મતોના ટૂંકા અંતરથી ધવલસિંહ ઝાલા પરાજિત થયા. બંનેને અનુક્રમે 46.46 ટકા અને 45.93 ટકા મત મળ્યા.
7. થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલને ભાજપે લોકસભાની ટિકિટ આપી અને તેઓ લોકસભા 2019 માં ચૂંટાયા. ખાલી પડેલી જગ્યા પર પેટાચૂંટણી યોજાઇ. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 72,959 મત મળ્યા. જ્યારે ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ 66,587 મત મળ્યા. આમ કોંગ્રેસે ભાજપને 6,372 મતોથી પરાજય આપ્યો. કોંગ્રેસને 48 55% ત્યારે ભાજપે 44.31 % મત મળ્યા.
08. ભાજપના ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી 2019માં લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડેલી જગ્યા પર પેટાચૂંટણી યોજાઈ. જેમાં ભાજપે અજમલજી ઠાકોરને ટિકિટ આપી તેમણે 60,875 મત મળ્યા સામે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર બાબુજીને 31,784 મત મળ્યા. આમ 29,091 મતોથી અજમલજીનો વિજય થયો. બંને ઉમેદવારોને 62.75 ટકા અને 32.78 ટકા મત મળ્યા.
09. અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ભાજપે પરેશ રાવલની જગ્યાએ 2019માં અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ટિકિટ આપી, તેઓ વિજયી થયા. આથી અમરાઈવાડીની બેઠક ખાલી પડતાં, ત્યાં પેટાચૂંટણી યોજાઈ. ભાજપના ઉમેદવાર જગદીશ પટેલને 48,657 મત મળ્યા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને 43,129 મત મળ્યા. આમ બંનેને અનુક્રમે 50.24 અને 44.53 ટકા મત મળ્યા.
10. 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં લુણાવાડા વિસ્તારમાંથી રતનસિંહ રાઠોડ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાઈ આવ્યા. વિધાનસભામાં પાતળી સરસાઈ ધરાવતી ભાજપે રતનસિંહ રાઠોડને 2018માં લોકસભાની ટિકિટ આપી. તેથી આ બેઠક ખાલી પડતાં ભાજપે જીગ્નેશકુમાર સેવકને ટિકિટ આપી. જેમને 67,391 મત મળ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 55,439 મત મળ્યા. આ બંનેને અનુક્રમે 49.02 અને અને 40.32 ટકા મત મળ્યા.
2019ની લોકસભાની ચૂંટણી પ્રથમ મોટો પડકાર
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2017) માં સાધારણ દેખાવ કરનાર ભાજપને લોકસભાની ચૂંટણીઓમાં ઓછી બેઠકો મળશે એવું માનવું હતું, પરંતુ ગુજરાતીઓએ કેન્દ્રમાં એક ગુજરાતી વડાપ્રધાન રાખવા ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરી. કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, ત્રિપલ તલાક બિલ, પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ, ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, જનધન ખાતા, રામ મંદિરનો મુદ્દો વગેરે કેન્દ્ર સરકારના પગલાએ લોકોને નરેન્દ્ર મોદીને મત આપવા પ્રેર્યાં હતા.
રાજ્યસભાની ચૂંટણીઓ અને ભાજપની તોડફોડ
લોકસભાની ચૂંટણી બાદ 2020માં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સમક્ષ રાજ્યસભાની ચૂંટણીઓ મોટો પડકાર હતી. ઓછા ધારાસભ્યોના મત સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યો પહોંચાડવાના હતા. એમ પણ રાજ્યસભામાં ભાજપ સંખ્યાબળની દૃષ્ટિએ ઓછું હતું, ત્યારે ભાજપે કોંગ્રેસમાં તોડફોડની નીતિ અપનાવી અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં ખેંચી લાવ્યા. એક ઉમેદવારને જીતવા માટે 35 મતોની જરૂર હતી. ચાર જગ્યા માટેની લડાઈમાં ભાજપમાંથી નરહરિ અમીન, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા રાજ્ય સભામાં જવામાં સફળ થયા તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં જવા સફળ થયા.
સી.આર.પાટીલનો સ્વીકાર
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની વિદાય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા સી.આર.પાટીલની એન્ટ્રી (c r patil become bjp president) થઈ. સી.આર.પાટીલના આવતાની સાથે જ સત્તાની ખેંચતાણ શરૂ થઈ. ભાજપમાં નારાજગી પણ જોવા મળી, પરંતુ તેમના ઉપર કેન્દ્રના આશિર્વાદ હતો એટલે કોઈ કશું કરી શક્યું નહીં, વળી તેમના નિર્ણયો પરિણામ આપતા હતા. તેમના માટે પ્રથમ પડકાર ગુજરાતમાં 08 સીટો પરની પેટા ચૂંટણીઓ હતી. આ આઠ વિધાનસભાની સીટોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાનો સમાવેશ થતો હતો. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પાંચેય ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, જેવી કાકડિયા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીને તેમની જ પૂર્વ વિધાનસભાઓમાં ભાજપ તરફથી ટીકીટ આપવામાં આવી. તે બધા ઉમેદવારો વિજયી થયા. આ ઉપરાંત અન્ય ત્રણ બેઠકોમાં પણ ભાજપના ઉમેદવારો વિજયી થયા.
આ પણ વાંચો:ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે
નવેમ્બર-2020ની પેટા ચૂંટણીઓના પરિણામ
1. અબડાસા બેઠક પર ભાજપના પ્રધુમનસિંહ જાડેજાએ કોંગ્રેસના ડો.શાંતિલાલ સેંઘાણીને 36,778 વોટથી પરાજય આપ્યો. બંને ઉમેદવારોને અનુક્રમે 71,848 અને 35,070 વોટ મળ્યા.
2.લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ કોંગ્રેસના ચેતનભાઈ ખાચરને 32,050 વોટથી પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 88,928 અને 56,878 વોટ મળ્યા.
3.મોરબીમાંથી ભાજપના બ્રિજેશ મેરજાએ 4,649 મતોથી કોંગ્રેસના જયંતીલાલ પટેલને પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 64,711 અને 60,062 મત મળ્યા.
4. ધારી બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાએ કોંગ્રેસના સુરેશ કોટડીયાને 17,209 મતે પરાજય આપ્યો. બન્નેને અનુક્રમે 49,695 અને 32,592 મત મળ્યા.
5. ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારે કોંગ્રેસના મોહન સોલંકીને 23,295 મતોથી પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 71,912 અને 48,617 મત મળ્યા.
6. કરજણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 16,425 મતથી પરાજય આપ્યો. બંને ઉમેદવારોને અનુક્રમે 76,958 અને 60, 533 મત મળ્યા.
7. ડાંગ વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજય પટેલે કોંગ્રેસના સૂર્યકાન્ત ગાવીતને 60,095 મતોથી પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 94,006 અને 33,911 મત મળ્યા.
8. કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના જીતુ ચૌધરીએ કોંગ્રેસના બાબુભાઇ પટેલને 47,066 મતોથી પરાજય આપ્યો. બંનેને અનુક્રમે 1,12,941 અને 65,875 મત મળ્યા.
2021ની રાજ્યસભાની બિનહરીફ ચૂંટણી
ગુજરાતમાંથી રાજ્ય સભાની 11 સીટો છે. જેમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપના રાજ્ય સભાના સદસ્ય અભય ભારદ્વાજનું નિધન થતાં બંને જગ્યાઓ ખાલી પડી. તે બંને ઉપર 2021ની શરૂઆતમાં ચૂંટણી યોજાતા ભાજપે રામ મોકરિયા અને દિનેશચંદ્ર અનાવાડિયાને ઉભા રાખ્યા. કોંગ્રેસ અહેમદ પટેલના જવાથી નબળી થઈ હતી. ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવ્યા.