- વડોદરાની સયાજી હોસ્પિટલનો બાળવિભાગ આપી રહ્યો છે ઉત્તમ સારવાર
- ચમત્કારનો દાવો કર્યા વગર સમર્પિત પણે કરે છે સેવા
- અધુરામાસે જન્મેલા બાળકોને બક્ષે છે નવજીવન
અમદાવાદ: વડોદરાની સયાજી હોસ્પિટલનો બાળ રોગ વિભાગ ડૉ. શીલા ઐયરના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને આ સમર્પિત ટીમ અધૂરા માસે જન્મેલા, નવજાતથી લઈને બાળ વય સુધીના બચ્ચાઓની જે સારવાર કરે છે, તે મેડિકલ ચમત્કારથી કમ નથી. જોકે તેઓ ચમત્કારનો કોઈ દાવો કર્યા વગર સમર્પિત પણે તેમનું આ કામ કર્યે જાય છે.
બાળકોના અવયવોનો વિકાસ થયો નથી હોતો ત્યારે મુશ્કેલી સર્જાય
અધૂરા માસે જન્મતા બાળકોના વિવિધ અંગો, અવયવોનો પૂરતો વિકાસ થયેલો ન હોવાને લીધે જટિલ તબીબી મુશ્કેલીઓ સર્જાય છે, તેવી જાણકારી આપતાં ડૉ.શીલાબેને એક સંવાદમાં જણાવ્યું હતું. તાજેતરમાં જ વડોદરાથી લગભગ પોણા બસો કિલોમીટરના અંતરે અલીરાજપુરથી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થાએ જન્મેલી બાળકીને અહી લાવવામાં આવી જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 1750 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી આ બાળકીના ફેફસાંનો યોગ્ય વિકાસ થયો ન હોવાથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેની સારવારની અલીરાજપુરમાં ઉચિત સુવિધા ન હોવાથી મધ્ય પ્રદેશ આરોગ્ય તંત્રે આ બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરી હતી.
મોંઘી દવાઓ આપીને સ્વાસ્થ્યને સ્થિર કરાય છે
અહી બાળ રોગ વિભાગની સમર્પિત ટીમે આ સાવ માસૂમ બચ્ચાની તબીબી તકલીફોનો તાગ મેળવી એને સિપેપ વેન્ટિલેટર પર રાખીને સરફેક્ટેન્ટ જેવી મોંઘી દવાઓ આપીને એના સ્વાસ્થ્યને સ્થિરતા આપી છે. હાલના તબક્કે તેની જીવન રક્ષા થઈ છે અને સારવાર ચાલુ છે. શ્વાસની આવી તકલીફ સાથે આટલી લાંબી મુસાફરી કરીને તાજુ જન્મેલું બચ્ચું અહી હેમખેમ લાવી શકાયું તે પણ ચમત્કારથી કમ નથી એવું ડૉક્ટરનું કહેવું છે. જન્મજાત ખામીઓ સાથે જન્મતા બાળકોની મુશ્કેલીઓ ખૂબ જટિલ હોય છે અને નાજુક, અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસીજર કરવી અઘરી હોય છે અને ખૂબ બારિકી અને કુશળતા માગી લે છે.
શરીર બહાર જ આંતરડાના વિકાસનો કિસ્સો
આવો જ એક કિસ્સો જન્મ સમયે આંતરડાનો વિકાસ શરીરની બહાર થયો હોય એવા એક શિશુનો છે. તબીબી વિજ્ઞાન આ વિસંગતિને ગેસ્ટરો સ્કાયાશિશ જેવા અઘરા નામે ઓળખે છે. આ બાળકના શરીર બહાર વિકસેલા આંતરડાને ખૂબ જટિલ શસ્ત્રક્રિયા દ્વારા શરીરની અંદર મૂળ સ્થાને બેસાડીને તેની હાલત સુધારવામાં આવી અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવ્યા. જેના પરિણામે એની તબિયત સ્થિર થઈ, સુધરી અને માતાપિતા પરિવારને રાહત મળી.