- કોરોના કાબૂમાં લેવા હાઇકોર્ટની સરકારને સલાહ
- લગ્ન સિવાય કોઈપણ કાર્યક્રમ યોજવામાં ન આવે
- લગ્નમાં પણ 50 વ્યક્તિઓને જ મંજૂરી
અમદાવાદ : રાજ્યમાં વધતી જતી કોરોનાની વિપરિત પરિસ્થિતિને જોઇને સોમવારના રોજ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને તેમણે કરેલા કામો અને આગામી આયોજન શું હશે તે જાણવા માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ ભાર્ગવ કારિયા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, કેન્દ્રનો પક્ષ મૂકવા માટે આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ હાજર રહ્યા હતા.
હાઈકોર્ટે સરકારને કેટલીક સલાહ આપી
ગુજરાત હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતા આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ દેવાંગ વ્યાસે ETV BHARATને જણાવ્યું હતું કે, શહેરમાં વધતી જતી કોરોનાની વિકટ પરિસ્થિતિને જોઈને નામદાર હાઈકોર્ટે વિવિધ વિષયો પર સરકાર કઈ રીતે આયોજન કરી રહી છે, તે જાણવા માટે સુનાવણી કરી હતી. કોવિડ 19 માટે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજનની અવેલિબિલીટી, રેમડેસીવીરની વ્યવસ્થા જેવા પ્રશ્નો પર કોર્ટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાઈકોર્ટે સરકારને કેટલીક સલાહ પણ આપી હતી.
કોરોનાનું ટેસ્ટિંગ અને રિઝલ્ટ જલ્દી ઉપલબ્ધ કરાવો
દર્દીઓને કોરોનાનું ટેસ્ટિંગ કરવા લાગી રહેલો સમય અને ત્યાર બાદ તેના રિઝલ્ટ આવવામાં થઈ રહેલા વિલંબ પર નામદાર કોર્ટે સરકારને ટકોર કરી હતી. નામદાર હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે, ટેસ્ટિંગ માટે પહેલાં જે 8થી 10 કલાકનો સમય લાગતો હતો, તે જ રિપોર્ટ અને પરિણામ આવવામાં પાંચ દિવસ લાગી રહ્યા છે. વળી RT-PCRનો ટેસ્ટ પણ તમામ જિલ્લાઓમાં થઈ રહ્યો નથી. હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, તમે કહો છો કે ટેસ્ટિંગ માટેની સંખ્યા વધી છે, તેમ છતાં હજૂ પણ તાલુકા અને જિલ્લાઓ કે જ્યાં વસ્તી વધુ છે ત્યાં પણ RT-PCR ટેસ્ટ થઈ રહ્યા નથી.
આ પણ વાંચો -ગુજરાત હાઈકોર્ટઃ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્યભરમાં 3-4 દિવસનો કરફ્યૂ હિતાવહ
એક જ હાથ નીચે ઇન્જેક્શનનું કંટ્રોલ ન હોવું જોઇએ - હાઇકોર્ટ
રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને હાઈકોર્ટે સરકારને સલાહ આપી હતી કે, એક જ હાથ નીચે ઇન્જેક્શનનું કંટ્રોલ ન હોવું જોઈએ. ઇન્જેક્શન તમામ જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. જેમ બજારમાં પેરાસીટામોલની દવા સરળતાથી મળી રહે છે, તેટલી જ સરળતાથી ઇન્જેક્શન પણ મળવું જોઈએ. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, તમારી પાસે તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે, કોઈ કમી નથી.
આ પણ વાંચો -8 મેના રોજ યોજાશે મેગા લોક અદાલત
રેમડેસીવીર બાબતે સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો
ગુજરાતના એડવોકેટ જનરલે રેમડેસીવીરને લઈને રાજ્ય સરકારનો મત મૂકતા જણાવ્યું હતું કે, ઇન્જેક્શનનું પ્રોડક્શન લિમિટેડ સંખ્યામાં જ થઈ રહ્યું છે, ત્યારે ડોક્ટર્સે પણ ઈમરજન્સી સિવાય તેનું પ્રિસ્ક્રિપ્શન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત ડૉકટરના પ્રિસ્ક્રિપ્શનથી જ ઇન્જેક્શન મળશે. હાલ રાજ્યમાં રેમડેસીવીરનું 1 લાખ 75 હજાર જેટલું ઉત્પાદન થાય છે અને એ કોઈ પેરસીટામોલ જેવી દવા નથી.
રાજ્યમાં 1127 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે
કોવિડ હોસ્પિટલમાં બેડ પૂરતા હોવાનો દાવો એડવોકેટ જનરલે કર્યો હતો. તેમણે રવિવારના રોજ અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશને તેમના પોર્ટલ પર મૂકેલી માહિતી મુજબ કુલ 6283 બેડ પૈકી 1027 બેડ ખાલી હતા, જ્યારે અમદાવાદમાં કુલ 141 અને રાજ્યમાં 1127 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ હોવાનું જણાવ્યું હતું.