નિરમા યુનિવર્સિટીની લો ઇન્સ્ટિટ્યુટના એક વિદ્યાર્થી રમીત સિંઘે કરેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે એવો સવાલ ઉઠાવ્યો હતો કે, આવા જ મુદ્દાની એક રિટ સુપ્રીમ કોર્ટ સમક્ષ થઇ છે. મેરિટલ રેપ’ પણ મહિલાઓ પર થતાં ‘રેપ’ જેટલો જ જઘન્ય ગુનો હોવાથી તેને ફોજદારી ગુનો જાહેર કરવો જોઇએ.
પત્નીની સંમતિ વિના પતિના શારીરિક સંબંધને દુષ્કર્મમાંથી મુક્તિ મુદે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - ahmedabad Highcourt
અમદાવાદ: પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મના કાયદામાંથી મુક્તિ આપવાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવવી જોઇએ તેવી દાદ માંગતી અરજી મુદ્દે બુધવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે 19મી ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.
આ કેસમાં અરજદારે દુષ્કર્મના ગુના માટેની IPCની કલમ ‘375 એક્સેપ્શન-૨’ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરી છે. જેની રજૂઆત છે કે,‘કાયદાની આ જોગવાઇ મુજબ જો પુરુષ પોતાની પુખ્ત વયની પત્ની સાથે તેની મરજી કે સંમતિ વિના શારિરીક સંબંધ બાંધે તો તે દુષ્કર્મ નથી.’ અરજદારનું કહેવું છે કે, ‘આઇપીસીની દુષ્કર્મની ધારા મુજબ જો પતિ તેની પત્નીની સંમતિ વિના શારિરીક સંબંધ બાંધે તો પણ તેને કોઇ પણ જાતની સજા કરવાની જોગવાઇ નથી. જ્યારે કે, આ જ કાયદામાં કોઇ સ્ત્રીની ઇચ્છા કે, સંમતિ વિના પુરુષ શારિરીક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ ગણવામાં આવે છે. એટલે કે આ કાયદાની જોગવાઇ જ વિરોધાભાસી છે.
આ કાયદો દેશના બંધારણે દરેક નાગરિકને સમાનતા અને સન્માનપૂર્ણ જીવન જીવનના જે અધિકારો ક્રમશ: આર્ટિકલ-14 અને 19માં આપ્યા છે. જેનો પણ ભંગ કરે છે. કોઇ પણ કાયદામાં સમાનતા હોવી અત્યંત જરૂરી છે. યુવતી કે મહિલા પત્ની હોય તો પણ તેના શરીર પર તેનો અધિકાર છે અને શારીરિક સંબંધ બાંધવો કે, નહીં તેનો નિર્ણય કરવાની સ્વતંત્રતા તેને બંધારણે આપી છે. જો પતિ તેની સંમતિ વિના શારિરીક સંબંધ બાંધે તો એ બંધારણે તેને સન્માનપૂર્ણ જીવવાના હક ઉપર પણ તરાપ છે. જેથી આ કાયદાની જોગવાઇને ગેરબંધારણીય ઠેરવી તેને રદબાતલ કરવી જોઇએ.’