મેન્યુલ સ્કેવેંજીંગ એટલે કે હાથથી થતી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવ છતાં રાજ્યમાં યોગ્ય કાર્યાવાહી ન થઈ રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે ૧૬-૧૨-૨૦૧૬ના રોજ પરિપત્ર જાહેર કરી નિશ્ચિત કર્યું હતું કે, કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં ઉતારવામાં નહીં આવે.જો ગટર સાફ કરવા કોઇ સફાઇકર્મીને ઉતારવામાં આવશે અને તેનું મોત થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના નોડલ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે.
તેમ છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બદરજી કાંતિજી મસાર નામના સફાઇકર્મીને જોઈ જરૂરી સાધન વગર ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા અને અંદર ગૂંગળાવાથી તેમનું મોત થયું હતું. આ મામલે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી.મૃતક રાજસ્થાનના વતની હતા અને તેને પત્ની અને ચાર બાળકો છે. આ કેસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સામે આઇ.પી.સી.-૩૦૪, એટ્રોસિટી એક્ટ તેમજ મેન્યુઅલ સ્કેવેન્ડીંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી જોઇએ.
આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી કોઇ પગલાં લેવાય નથી. આ રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યુ છે કે, આ મુદ્દે સરકાર દ્વારા અસરકારક પગલાંઓનો અભાવ છે. સરકાર આ વ્યક્તિના મૃત્યુના કિસ્સા અંગે જવાબ અથવા સોગંદનામું રજૂ કરે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર સામે પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.