- 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ
- આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંગદાનની પ્રતિજ્ઞા લેશે
- વધુ સારા અને તંદુરસ્ત સમાજના નિર્માણનો થીમ
અમદાવાદઃ આ વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી 'Building a fairer, Healthier World' ('વધુ સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ) થીમ પર કરવામાં આવશે, જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના અધિકારી અને કર્મચારીઓ ખૂબ જ આવકારદાયક અને પ્રેરણાત્મક પહેલરૂપે અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે અંગદાન માટેની પ્રતિજ્ઞા લેશે. તેઓ બ્રેઈન ડેડ અથવા હૃદયરોગના હૂમલામાં તેમના મૃત્યુ બાદ તેમના શરીરના અવયવોને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવાનો સંકલ્પ લેશે. આરોગ્ય ખાતું આ અભિયાનમાં 10 લાખ લોકોને સાંકળવા માંગે છે અને સંકલ્પ લેનારા દરેક પાસેથી ફોર્મ ભરાવી તેના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરી રહ્યું છે.
અંગદાન ન મળતાં દર્દીનું મોત થતું હોય છે
ઉલ્લેખનીય છે કે, ઘણીવાર સમયસર અંગદાન ન મળવાને કારણે દર્દીનું મૃત્યુ થતું હોય છે. છેલ્લા થોડાં વર્ષોમાં આપણે ત્યાં અંગદાનને મહત્વ મળતું થયું છે અને તેના સારા પરિણામો પણ આપણે રોજબરોજ જોઈએ છીએ, પરંતુ હજુ તેમાં ઘણો સુધારો થઈ શકે છે અને અનેક જિંદગીઓ બચી શકે છે. ‘મૃત્યુ પછી પણ તમારું શરીર ઘણા લોકો માટે સ્વસ્થ જીવન જીવવાનું કારણ બની શકે છે.’ આ માટે આરોગ્ય વિભાગ અંગદાનના મહત્વ પર ભાર મૂકી રહ્યું છે અને લોકોમાં તે અંગે હકારાત્મકતા ફેલાય તેના માટે કાર્યરત છે.
વિજ્ઞાનક્ષેત્રે થયેલા સંશોધનથી જીવલેણ રોગ પર કાબૂ લેવાયો છે
માનવ જીવન અમૂલ્ય છે અને તેનું જતન કરવું આપણો ધર્મ છે. પોતાના શરીરને સ્વસ્થ, સુડોળ અને સ્ફૂર્તિલું રાખવું દરેક વ્યક્તિની પોતાની ફરજ છે. સ્વાસ્થ્ય બહારથી મળતું નથી અને તો વ્યક્તિએ પોતે જ પામવું પડે છે. ઋષિકાળમાં સુયોગ્ય આહાર, નૈસર્ગિક વાતાવરણ, યોગાસન અને વ્યાયામ વગેરેના કારણે માનવીની માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઇ રહેતી હતી, પરંતુ વર્તમાન સમયમાં બદલાયેલી જીવનશૈલી, ઔદ્યોગિક વિકાસ, રસાયણો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ તથા બેઠાડું જીવન અને નશીલાં દ્રવ્યોના સેવન વગેરે કારણોસર અનેક પ્રકારના રોગોએ ભરડો લીધો છે. વૈશ્વિકસ્તરે તબીબી વિજ્ઞાનક્ષેત્રે થયેલી અવનવી શોધખોળો, સંશોધનોના પરિણામે જીવલેણ રોગોને નિયંત્રણમાં લાવી શકાયા છે. માનવીના સરેરાશ આયુષ્ય મર્યાદા વધારવામાં નોંધપાત્ર સફળતા મળી છે.
આ પણ વાંચોઃ મગજના મૃત દર્દી દ્વારા કરાયેલા અંગદાનથી બે જીવને મળ્યું નવું જીવન