- 17મી ઓગસ્ટથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થશે શરૂ
- નામદાર ગુજરાત હાઈકોર્ટે બહાર પાડી SOP
- કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્દેશોનું કરવું પડશે પાલન
અમદાવાદ:કોરોનાની વિપરીત અસરમાં 16 મહિના બાદ ગુજરાત હાઈકોર્ટ 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર સામે આગમચેતી પગલાં લેતા આજે 10 ઓગસ્ટના રોજ હાઇકોર્ટ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ પ્રોસિજર અંતર્ગત તમામ નિયમોનું હાઇકોર્ટના સ્ટાફ, વકીલો તેમજ કેસ માટે આવતા પક્ષકારોએ પાલન કરવાનું રહેશે.
પ્રવેશ લેતા પહેલા તમામનું થશે થર્મલ સ્ક્રીનીંગ
કોર્ટે બહાર પાડેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ લોકો હાઇકોર્ટમાં પ્રવેશ ગેટ નંબર 2 અને 5થી લઇ શકશે. ગેટ નંબર બે અને પાંચ ઉપર પ્રવેશ લેનારા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈને ફલૂ, તાવ કે કફ હોય તો તે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે વકીલો, પક્ષકારો અને રજીસ્ટર ક્લાર્ક કોર્ટના પરિસરમાં આવેલા બાર રૂમ સુધી પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત કોર્ટના બીજા માળે જવા માટે એલિવેટર બંધ રાખવામાં આવી છે.