- બિહારમાં ભાજપના ફ્રી કોરોના રસીના વચનનો મામલો
- ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહનું નિવેદન
- કોંગ્રેસે ક્યારેય કોઇ રસી માટે પૈસા લીધા નથી: જયરાજસિંહ
અમદાવાદઃ બિહારની ચૂંટણી માટે પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો તમામ હથિયારો સાથે પ્રચાર યુદ્ધમાં ઉતરી પડ્યા છે. ત્યારે ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું છે. આ જાહેરાત બાદ કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી છે. ગુજરાત કોંગ્રેસના નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
બિહાર ચૂંટણી ઢંઢેરામાં મફત કોરોના રસી આપવાની વાતને લઈ ગુજરાત કોંગ્રેસનો પ્રહાર હવે વેક્સિન ફોર વોટઃ જયરાજસિંહ
બિહારમાં ભાજપ દ્વારા ફ્રી કોરોના રસી આપવાનું વચનના મામલે ગુજરાત કોંગ્રેસે પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે કોંગ્રેસે શીતળા, પોલીયોની રસી ફ્રીમાં આપી હતી. કોંગ્રેસે ક્યારેય કોઇ રસી માટે પૈસા લીધા નથી. નોટ ફોર વોટ સાંભળ્યું હતું, પરંતુ હવે વેક્સિન ફોર વોટ. ભાજપ જનતાને ઉલ્લુ બનાવી રહ્યું છે. લોકોએ ભાજપ નામનો રોગ ન આવે તે માટે રસી બનાવી લીધી છે.
નાણા પ્રધાન નિર્મલા સિતારામને શું કહ્યું ચૂંટણી ઢંઢેરા વિશે
જો કે નાણાપ્રધાન નિર્મલા સિતારામને ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે, કોરોના વાઈરસની વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે અને જેવી વેક્સિન આવશે કે ભારતમાં તેનુ મોટા પાયે ઉત્પાદન કરાશે. દરેક બિહારવાસીને આ વેક્સિન મફત ઉપલબ્ધ કરાવાશે.