ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે ખર્ચ વધારીને અર્થતંત્રને વેગવાન બનાવવું જોઈએ: આર્થિક નિષ્ણાંતો - Gujarat news

નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે, જે બજેટ કોરોના પછીનું પ્રથમ બજેટ છે, અને ઈકોનોમીને બુસ્ટ આપવા તેમજ જીડીપી ગ્રોથ વધે તે માટે જોગવાઈઓ કરવી પડશે. તેમજ અર્થશાસ્ત્રીઓની માગ છે કે સરકારે ખર્ચ વધુ કરવો પડશે તો જ અર્થતંત્રમાં લીક્વીડીટીની સમસ્યા હલ થશે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી જાણીએ બજેટમાં તેઓ શું અપેક્ષા રાખી રહ્યા છે.

Ahmedabad
Ahmedabad

By

Published : Jan 30, 2021, 10:42 PM IST

  • વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બજેટની આશા અને અપેક્ષા
  • સરકારી ખર્ચ વધારો, કરવેરામાં ઘટાડો કરો
  • ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને વેગવાન બનાવો

અમદાવાદ: કોરોના વૈશ્વિક મહામારી પછી જીડીપી ગ્રોથ માઈનસમાં ગયો હતો, પણ આઈએમએફનું કહેવું છે કે, ભારતીય અર્થતંત્ર V શેપમાં રિકવરી નોંધાવશે પણ તેના માટે નાણાપ્રધાને બજેટમાં પ્રોત્સાહક પગલા લેવા પડશે. જેનાથી ડિમાન્ડ વધે, નાણા વધુ ફરતા થાય, રોજગારી વધે, ગરીબોની આર્થિક સ્થિતિ વધુ સુધરે તો ખરા અર્થમાં વિકાસ થયો કહેવાશે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો શું કહે છે તે નીચે મુજબ છે.

હિતેશ પોમલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

અગામી બજેટમાં સરકાર દ્વારા જો ખર્ચમા વધારો કરવામાં આવે તો જ કોવિડથી અસર પામેલા અર્થતંત્રમાં સુધારો થશે, વિગતે જણાવું તો સરકાર જો મનરેગા, ઇન્ફાસ્ટ્રક્ચર વગેરેના કામમાં બજેટની ફાળવણી વધારીને વધુ ખર્ચ કરવાનું શરૂ કરશે તો તેના પગલે સ્ટીલ, સિમેન્ટનું વેચાણ વધશે, આનાથી જે તે કારખાનાઓમાં રોજગારી વધશે, સાથે સાથે મનરેગા વગેરેમાં પણ ગરીબોના હાથમા પૈસા જશે અને અત્યારે અર્થતંત્રની જે મોટામાં મોટી જરુરીયાત માંગમાં વધારો કરવાની છે તે પૂરી થશે. આખુ અર્થતંત્ર બે આંકડામાં વિકાસ કરતું થઈ જશે. અત્યારે મધ્યમવર્ગ મોઘવારીમાં કચડાઈ ચૂક્યો છે તેને પણ આવકવેરામાં રાહત મળે તો પણ તેનાથી અર્થતંત્રમાં માગ વધે. આ સિવાય મહત્તમ આવકવેરાનો દર બધા માટે 30 ટકા કરી દેવામાં આવે તો બજારને પ્રોત્સાહન મળશે.

આર્થિક નિષ્ણાંતો

કર્નલ રાહુલ શર્મા, ડાયરેકટર, ક્લોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સ (બિઝનેસ એડવાઈઝરી ફર્મ)

બજેટમાં અર્થતંત્રમાં નવચેતન લાવવા પર સક્રિય ધ્યાન આપવામાં આવે અને આર્થિક વૃદ્ધિ તથા સ્થિરતાને લક્ષ્યમાં રાખવામાં આવે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ કરવામાં આવે તો માગ વધશે અને તમામ કદના બિઝનેસને ટેકો મળશે. બિઝનેસ ડિજિટલ ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકે છે. મને આશા છે કે, સરકાર એવી નીતિઓ અને પ્રોત્સાહનો ઘડશે, જેનાથી ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે અને તે તમામ સ્તરે આર્થિક વૃદ્ધિ માટે ખરા અર્થમાં પ્રેરક બળ બનશે.

કિરણ સુતરીયા, ફાઉન્ડર અને CEO સીટા

સીટા સોલ્યુશન્સ પ્રા. લિ.ના સ્થાપક સીઈઓ કિરણ સુતરિયાએ જણાવ્યું હતું કે, તેમણે આઇટી ઉદ્યોગ વિશે તથા કોરોના રોગચાળા પછી આઇટી ઉદ્યોગની અપેક્ષા વિશે પોતાનું વિશ્લેષણ રજુ કર્યું હતું. તેમણે ટેક્સના લાભો ઉપરાંત IOT અને બીજી ટેક્નોલોજિકલ ડિવાઇસની આયાત પ્રક્રિયા સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેનાથી ભારતમાં એડવાન્સ્ડ ટેક્નોલોજીના માર્કેટને ઉત્તેજન મળશે.

પ્રદિપ સંધીર, ડિરેકટર, બીલાઈન બ્રોકિંગ

કેન્દ્રીય બજેટ 2021માં સરકાર નીચી આવક ધરાવતાં જૂથમાં વાર્ષિક રૂપિયા 5,00,000થી વધારે આવક ધરાવતાં લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. તે સેક્શન 80સી હેઠળ કરકપાતની મર્યાદા પણ વધારે તેવી શક્યતા છે. તેનાથી બચતમાં વધારો થશે અને અંતે સરકારના હાથમાં વધુ ફંડ આવશે. હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સનો દર 10 ટકા છે, જે રદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સંરક્ષણ, ફાર્મા, હેલ્થકેર અને ઓટો ક્ષેત્ર કેન્દ્રમાં રહી શકે છે.

કુનાલ મહેતા, કો-ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ

ડેટ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ડીએલએસએસ (ડેટ લિંક સેવિંગ્સ સ્કીમ્સ) રજૂ કરવાની જરૂર છે. આ પ્રકારનું ફંડ કોર્પોરેટ ડેટ ફંડમાં અને અન્ય ડેટ સાધનો માટે રોકાણ કરવા સૂચવવામાં આવ્યું છે. જે 5 વર્ષ લોકિંગ રાખવાનો પ્રસ્તાવ છે અને આ રોકાણોને DLSS ની જેમ 80c મુજબ ટેક્સમાં છૂટ આપવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details