અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હોવાનું બહુમાન ધરાવે છે. ટેક્નિકલ શિક્ષણમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે GTU દરેક પ્રકારે કટીબદ્ધ હોય છે. GTUની આ કાર્યકુશળતાને બિરદાવવાના ભાગરુપે જ તાજેતરમાં ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા GTUને પરમ સાવક સુપર કોમ્યુટર ફાળવવામાં આવ્યું છે. \
GTUના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પરમ સાવકની મદદથી આગામી દિવસોમાં નેટવર્ક ટેક્નોલોજી, સાયબર સિક્યોરીટી, ફાર્મસી તથા દરેક શાખામાં ચાલતાં સંશોધન કાર્યને વેગ મળશે. આ ઉપરાંત GTU સંલગ્ન તમામ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ સંશોધન માટે લાભ મળશે.
સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા GTUને ફાળવવામાં આવેલા પરમ સાવક સુપર કોમ્યુટરનું નિર્માણ સી-ડેક દ્વારા કરવામાં આવ્યું છે. આ સુપર કોમ્યુટર X-86 બેઈઝ્ડ લેટેસ્ટ ઈન્ટેલ પ્રોસેસર , 96 GB રેમ અને 16 TB સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત હાય પરફોર્મન્સ કોમ્પ્યુટીંગની મદદથી બિગ ડેટા એનાલિસીસ અને રિસર્ચ સંબધિત કાર્યો ટૂંકાગાળામાં સફળતાપૂર્વક કરી શકાશે.