વોટ્સએપ ચેટનો આધાર માનીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા - ETVBharatGujarat
અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ કેસમાં બુધવારે વોટ્સએપ ચેટને આધારે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આરોપી જૈનમ શાહના જામીન મંજૂર કર્યા છે.
અમદાવાદઃ આ કેસનો આરોપી જૈનમ શાહના વકીલ તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પીડિતા અને આરોપી એકબીજાના પ્રેમમાં હતાં અને આ બાબત તેમના વોટ્સએપ ચેટથી પુરવાર થાય છે. આ ચેટમાં બન્ને એકબીજાને પતિપત્ની તરીકે માન આપતાં હતાં. જેથી આરોપીએ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવું સાબિત થતું નથી. આ સાથે જ સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કોર્ટે વોટ્સએપ ચેટ દરમિયાન થયેલી વાતચીતને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન મંજૂર કર્યાં હતાં.