અમદાવાદ-મુંબઇ વચ્ચે 17 ઓક્ટોબરથી સેન્ટ્રલ ડબલડેકર એસી સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા યાત્રીઓની માગ અને તેમની સુવિધા માટે 17 ઓક્ટોબર, 2020થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડબલ ડેકર એસી સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં રવિવારને છોડીને છ દિવસ ચલાવવામાં આવશે. આ ટ્રેન ઉક્ત તારીખથી આગળની સૂચના સુધી ચાલશે.
અમદાવાદઃ મંડળ રેલ પ્રબંધક દીપકકુમાર ઝાના જણાવ્યાં અનુસાર 17 ઓક્ટોબર, 2020થી આગલી સૂચના સુધી રવિવાર છોડીને ટ્રેન નંબર 02932 અમદાવાદ- મુંબઇ સેન્ટ્રલ એસી એક્સપ્રેસ રોજ 6:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને મુંબઇ સેન્ટ્રલ 13:00 વાગ્યે પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 02931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલડેકર એસી એક્સપ્રેસ સ્પેશિયલ 14:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે અને 21:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
યાત્રા દરમિયાન બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર કોચ રહેશે. આ સ્પેશિયલ ટ્રેનનું રિઝર્વેશન નોમિનેટેડ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020થી પ્રારંભ થશે.