અમદાવાદઃ વાલીમંડળનું કહેવું છે કે, વાલીઓને શાળાની ટ્યૂશન ફી અંગેની કોઈ જ જાણકારી નથી. હાલમાં ઓનલાઈન શિક્ષણ છે. છતાં શાળા સંચાલકો ફી ઉઘરાવવા માટે અધીરા બની ગયા છે. સરકારે હવે સંચાલકો સામે નમતું જોખ્યું હતું.
રાજ્યમાં ફી અંગે ફરી વિરોધ ઉઠ્યો, FRCના કહે ત્યાં સુધી ફી ન ભરવા વાલી મંડળનો અનુરોધ
વર્તમાન સમયમાં કોરોના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેવામાં વાલીઓ સામે સૌથી મોટો પડકાર છે બાળકોની ફી ભરવી. વાલીઓની આ સમસ્યાને જોતા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન એટલે કે વાલીમંડળે તમામ વાલીઓને અનુરોધ કર્યો છે કે, જ્યાં સુધી FRC ફી અંગે ખુલાસો ન કરે ત્યાં સુધી વાલીઓએ ફી નહીં ભરવી. FRC 75 ટકા ટ્યૂશન ફી અંગે ખુલાસો ન કરે ત્યાં સુધી ફી ન ભરવા કહેવાયું છે. આથી ટ્યૂશન ફી અંગેના ઓર્ડર વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર મૂકવા તેમની માંગ છે.
હાઈકોર્ટના ચૂકાદા બાદ રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બરે શાળા સંચાલકોના પક્ષમાં જ 25 ટકા ફી માફીનો નિર્ણય લીધો હતો, જેમાં સ્કૂલ સંચાલકોએ એક ઠરાવ પણ પસાર કર્યો હતો. આ ઠરાવમાં 25 ટકા ફી માફીના લાભ માટે કેટલીક શરતો અને નિયમો લાગુ કર્યા હતા, જેમાં વહેલી તકે ફી ભરવાની સ્કૂલ સંચાલકોની માગ હતી નહીં તો ફી માફ નહીં થાય તેવું સ્કૂલ સંચાલકોનું કહેવું હતું.
આ કારણોસર રાજ્યના શિક્ષણ વિભાગે અગાઉ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમામ બોર્ડની શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપતા જણાવ્યું હતું કે, 2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકે. શાળાઓ માત્ર ટ્યૂશન ફી જ લઈ શકશે. જ્યારે 25 ટકા રાહત આપવી પડશે. સાથે જો વાલી ફી મોડી ભરે તો શાળાઓ દંડ પણ નહીં વસૂલી શકે, પરંતુ બીજી બાજુ રાજ્ય સરકારે પરિપત્રમાં જણાવ્યું કે, 2019-20ની જો ફી બાકી હોય તો તે 31 ઓક્ટોબર સુધીમાં ભરપાઈ કરી દેવી નહીં તો 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ના ભરી શકે તો સ્કૂલ સમક્ષ કારણ રજૂ કરવું પડશે. એમાંય જો સામાન્ય સંજોગોમાં વાલી સક્ષમ ના હોય તો શાળા સંચાલકો પાસે વાલીએ ફી મોડી ભરવા અંગેનું કારણ રજૂ કરવું પડશે. વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકે તેવો આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પરિપત્રમાં એમ જણાવાયું હતું કે, ટ્યુશન ફી સિવાયની ઈત્તર પ્રવૃત્તિની ફી પણ શાળા નહીં વસૂલી શકે. તમામ શાળાએ ફરજિયાત 25 ટકાની રાહત આપવી પડશે. FRCએ નિયત કરેલી ફીમાંથી જ રાહત આપવી પડશે. 100 ટકા ટ્યૂશન ફી એડવાન્સ ભરી હોય તો તે શાળાએ સરભર કરી આપવાની રહેશે, પરંતુ વાલીમંડળનું કહેવું છે કે, જો FRC 75 ટકા ટ્યૂશન ફી અંગે જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી વાલીઓ ફી ના ભરે.