અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત (PM Security Breach Punjab) દરમિયાન તેમની સુરક્ષામાં મોટી બેદરકારી જોવા મળી હતી. આ માટે કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા પંજાબ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવ્યો છે. તો બીજી તરફ પંજાબ સરકારે પણ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી દીધી છે. પંજાબ રાજ્ય કોંગ્રેસ શાસિત સરકારનું હોવાથી ભાજપે આ ઘટનાને એક કાવતરું ગણાવી છે.
ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી મશાલ રેલીનું આયોજન કરાયું
પંજાબની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને ભાજપે સમગ્ર દેશમાં આ મુદ્દે કોંગ્રેસનો વિરોધ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની આગેવાનીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના અગ્રણી નેતાઓએ આ ઘટના અંગે રાજ્યપાલે આવેદન પત્ર આપ્યું હતો. પ્રદેશ ભાજપના યુવા મોરચા દ્વારા આ ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય (Congress State Office In Ahmedabad) સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું
આ રેલીમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપના સંગઠન પ્રધાન મહેશ કસવાલા, એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું પરંતુ પોલીસે આ રેલીને કોંગ્રેસ કાર્યાલય સમક્ષ જતા અટકાવવામાં સફળતા મેળવી હતી.