અમદાવાદઃ શહેર ATSના પી.આઇ સી.આર.જાદવને બાતમી મળી હતી કે, સરદારનગરમાં રહેતો બુટલેગર રાજુ ઉર્ફે રાજુ ગેંડીને કમલ નંદવાણી સાથે ઘણા સમયથી અદાવત ચાલે છે. જેને લઈને રાજુએ કમલ પર હુમલો કરાવવા પ્રકાશ ઉર્ફે પકિયો, અલી, સિકંદર ,ભાઈલાલભાઈ ઉર્ફે સલીમનાને સરદારનગર બગીચા પાછળ સિંધી કોલોનીમાં આવેલ મકાનમાં રાખ્યો છે.
અમદાવાદમાં હત્યા પહેલાં જ ATSએ આરોપીઓને ઝડપી પાડયા
અમદાવાદ શહેરમાં 2 ઈસમોએ અંગત અદાવતમાં એક હત્યાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ગુજરાત ATSએ બાતમીના આધારે હત્યા, પહેલાં જ હત્યાનું કાવતરું રચનારા 2 ઇસમની ધરપકડ કરી છે અને તેમની પાસેથી હથિયાર પણ કબ્જે કર્યું છે.
બાતમીના આધારે ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ સરદારનગર બગીચા પાછળ સિંધી કોલોનીમાં આવેલા રાજુના મકાનમાં રેડ કરતા સિકંદર અને ભાઈલાલભાઈ પકડાઈ ગયા હતા. બંને ઇસમ પાસેથી પીસ્ટલ અને રેમ્બો છરો મળી આવ્યો હતો. બંનેની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, કમલ પર ફાયરિંગ કરવાનું તેમને રાજુએ કહ્યું હતું. હાલ બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના ગુનો નોંધવામાં આવ્યો છે તથા આ કાર્યવાહી દરમિયાન ગાડીમાંથી દારૂ પણ ઝડપી પાડ્યો હતો, જે મામલે સ્થાનિક પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.