- અમદાવાદનું કલાકાર કપલ
- સંગીત અને નૃત્ય જ છે તેમનું જીવન
- મળો જીગ્નેશ શેઠ અને જિજ્ઞા દીક્ષિતને
અમદાવાદનું આ કલાકાર દંપતિ દેશ-વિદેશમાં કરી રહ્યું છે ભારતીય નૃત્ય અને સંગીતનો પ્રસાર
અમદાવાદ: જીગ્નેશ શેઠ એ ગુજરાતના ખૂબ જ ઉમદા સંગીતજ્ઞ તરીકે પોતાની કળાનિપુણતાને લીધે લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે અને તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત કોઈપણ ભાષાના ગીતમાં સંગીતના લય આપી શકે છે. તો કથક વિશારદ એવા જિજ્ઞા દીક્ષિત પણ શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે ગુજરાત અને ભારત માં ખૂબ સારી નામના ધરાવે છે. આ કલાકાર દંપતિ દેશ-વિદેશમાં તેમની કલાના પ્રચાર-પ્રસાર માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
નૃત્ય નાટીકા 'આમ્રપાલી'ને મળી સરાહના
જીગ્નેશ શેઠ ઘણા બધા નામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે અને તેમની સાથે તેઓ તબલા પર અને ગિટાર પર સંગત આપે છે. તેઓ આ સિવાય વાયોલિન, પિયાનો અને બેઝ ગિટાર પણ ખૂબ સારી રીતે વગાડી જાણે છે. જિજ્ઞા દીક્ષિતને ભારત સરકારની સંસ્થા ICCR દ્વારા દેશ વિદેશમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યના ફેલાવા માટે પોલેન્ડમાં 2 વર્ષ માટે મોકલવામાં આવ્યા હતા અને જ્યાં તેઓ ભારતીય સંગીત અને નૃત્યનો પ્રચાર પ્રસાર તથા પોલેન્ડના અલગ અલગ શહેરોમાં જઇને વિદેશમાં વસતા ભારતીયો અને ત્યાંના લોકોને ભારતીય નૃત્ય અને સંગીત શીખવાડતા હતા. હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે અને ઘણા બધા નવા બાળકોને શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની તાલીમ ઓનલાઇન આપે છે.
જીગ્નેશ શેઠ અને જિજ્ઞા દીક્ષિત દ્વારા તૈયાર કરવામાં આવેલું નૃત્ય નાટીકા "આમ્રપાલી" અમદાવાદ ખાતે ઘણા બધા ફેસ્ટિવલો માં ભજવવામાં આવ્યું હતું જેને ખૂબ જ સરાહના મળી હતી. સંગીત વડે આપી રહ્યા છે કોરોના ગાઇડલાઇન્સના પાલનની સમજણ
હમણાં કોરોનાના સમય માં પણ તેઓ ઓનલાઇન શાસ્ત્રીય નૃત્ય અને તબલા તથા સંગીતની તાલીમ આપી રહ્યા છે. આ સાથે જ તેમણે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને સમજાવવા નો પ્રયાસ પણ કર્યો છે, તેમને સંગીતમાં તબલાના તાલે અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા કોરોનાથી બચવા માટે વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોસિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાના સરકારના નિયમને સમજાવવાની કોશિશ કરી છે.
હજી કોરોનાના કારણે તેમના વિધાર્થીઓ ઓનલાઇન સંગીત અને નૃત્ય શીખી રહ્યા છે પણ તેઓ માને છે કે ખૂબ જલ્દી જ બધુ સરખું થઈ જશે અને તેઓ બાળકોને તેમની વચ્ચે જઇને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેવી પ્રવૃતિઓમાં આગળ વધી શકશે.