- 10 વર્ષીય કીર્તિ કોઠારીએ કોરોના, Fungal infection અને MIS-Cને હરાવ્યો
- MIS-C (Multi-system inflammatory syndrome) પર વિજય સંભવ
- સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી પીડિત 15 બાળકોએ સારવાર મેળવી
અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના ટ્રોમા સેન્ટરના ICUમાં દાખલ કરાયેલી 10 વર્ષની કીર્તિ કોઠારીની જીંદગી જીવવાની જીદ અને રોગને ગમે તે ભોગે હરાવવાનો હકારાત્મક અભિગમ અને વલણને જોતા તમે તેનાથી પ્રભાવિત થયા વિના ના રહી શકો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના ટ્રોમા સેન્ટર (Trauma Center)માં MIS-Cથી પીડિત 10 વર્ષીય કીર્તિ કોઠારી 12 દિવસની સારવાર દરમિયાન પળભર માટે પણ હિંમત હારી નહી. જીદ હતી તો ફક્ત જીવી જવાની. આ જીદને લઇને સમગ્ર સારવાર કરાવ્યા બાદ અંતે MIS-Cને હરાવીને સ્વગૃહે પરત ફરી છે.
કીર્તિ કોઠારી વેકેશન માણવા અજમેર દાદાને ઘરે ગઈ હતી
સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષની કીર્તિ કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના અજમેર સ્થિત દાદાના ઘરે ગઇ હતી. તે દરમિયાન 10 મેના રોજ કીર્તિને એકાએક હાઇગ્રેડ તાવ ચઢ્યો. આંખ પર સોજો જણાઇ આવ્યો. માતાપિતા ખૂબ જ ચિંતિત બન્યા. ક્ષણભરનો વિલંબ કર્યા વિના તેઓ કિર્તીને અમદાવાદ લઇ આવ્યા હતા. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ 10થી 15 દિવસ સારવાર કરાવી હતી. સારવાર દરમિયાન આંખની પાસેના વિસ્તારના ઇન્ફેક્શનનું પરૂ દૂર કરવામાં આવ્યું, તે છતાંય સંતોષકારક પરિણામ મળ્યું નહી.
હાઈગ્રેડ તાવની ફરિયાદ
છેલ્લે પહેલી જૂનના રોજ કીર્તિના માતાપિતા અમદાવાદ સિવિલમા સારવાર માટે લઇ આવ્યા હતા. કીર્તિ કોઠારી અમદાવાદ સિવિલમાં આવી, ત્યારે તેને હાઇગ્રેડ તાવની ફરીયાદ હતી. સાથે સાથે ડાબી આંખના ભાગે સોજો જોવા મળી રહ્યો હતો. તે આંખ ખોલવા સક્ષમ પણ ન હતી. પેટમાં પણ અસહ્ય દુખાવાની ફરિયાદ હતી. આ તમામ ફરિયાદ અને તકલીફ જોતા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના બાળરોગ વિભાગના તબીબોને MIS-Cની તકલીફ હોવાની સંભાવના જણાઇ આવી. જેની ખરાઇ કરવા તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યા. રીપોર્ટ્સમાં MIS-C અને ફંગલ ઇન્ફેક્શનનું પણ નિદાન થયું.
CRP અને D-dimer વધી રહ્યા હતા
કીર્તિનું CRP (C-reactive protein), D-dimer વધવાને કારણે ઇન્ફ્લામેટરી માર્ક્સ (સોજા) વધી રહ્યા હતા. આ તમામ રીપોર્ટ્સ જોતા બાળરોગ વિભાગના ડૉ. બેલા શાહ, ડૉ. ચારૂલ મહેતા અને ડૉ. ધારા ગોસાઇની ટીમ દ્વારા ઇએનટી ( ENT ) વિભાગના નિષ્ણાંત તબીબો, ઓપ્થેલમોલોજીસ્ટ(આંખના તબીબ) અને ન્યુરોસર્જન્સ સાથે સમગ્ર કેસની વિગતવાર ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સમગ્ર સારવાર હાથ ધરી.