- વિદ્યાર્થીને જ્ઞાન અને ઇન્સાન બનાવી એ જ સાચી વિદ્યા: રાજ્યપાલ
- શિક્ષકો માત્ર સરકારી કર્મચારી નથી રાષ્ટ્રના ઘડવૈયા છે: મુખ્યપ્રધાન
- શિક્ષણની ગુણવત્તામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે: શિક્ષણપ્રધાન
અમદાવાદ- શિક્ષણ દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, વિદ્યાર્થીને જ્ઞાન અને માણસ બનાવે એ જ સાચી વિદ્યા છે. બાળકના શારીરિક જન્મમાં માતા-પિતાની ભૂમિકા હોય છે, પણ તેના માણસના ઘડતરમાં શિક્ષકની જ મહત્વની ભૂમિકા રહેલી છે. ભારતીય વિચાર પરંપરા સમૃદ્ધ હતી અને તેથી જ અનેક વિદેશી આક્રમણો થતાં ભારતીય સંસ્કૃતિ પર તેની કોઈ અસર જોવા મળી નથી, પણ અંગ્રેજોએ ભારતમાં સ્થાયી સિદ્ધાસન માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કર્યું. જેના પગલે ભારતીય માનસિકતા દીનહીન બની હતી.
અંગ્રેજો જાણતા હતા કે, ભારતમાં શાસન કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને બદલવી પડશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, અંગ્રેજો જાણતા હતા કે, ભારતમાં શાસન કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને બદલવી પડશે. અન્યથા તે શાસન કરી શકે નહીં. આ અંગ્રેજ શાસનકાળની જૂની પુરાણી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન જાણવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિની પણ તેમણે પ્રશંસા કરી હતી. ભારતમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજી રહેણીકરણી અને ખાણી-પીણીનો ઉપયોગ આજે પણ થઇ રહ્યો છે.
દારૂબંધી અંગેના નીતિન પટેલના નિવેદનને રાજ્યપાલે આપ્યું સમર્થન
ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં સમૃદ્ધ ગુરુ-શિષ્ય પરંપરા હતી અને આ સમૃદ્ધ પરંપરાના કારણે સમાજ ઉન્નત દીક્ષિત હતો. ભારતીય ગુરુકુળમાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને હતો, ભૌતિક સુવિધાઓ નહીં. ગુજરાતના વિકાસનો શ્રેય રાજ્યની સભ્યતા અને સંસ્કૃતિને જાય છે અને ગુજરાત સરકારે દારૂબંધીના કાનૂન માટે અભિનંદન પાઠવ્યા હતા. નીતિન પટેલ દ્વારા દારુબંધીને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું, તેને સમર્થન પણ રાજ્યપાલે આપ્યું. તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં જે રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, દારુબંધીને લઈને કડકાઇ દાખવવામાં આવશે, જેને રાજ્યપાલે બિરદાવી છે. ગુજરાત સરકારને દારૂબંધીના કાનૂન માટે અભિનંદન પાઠવ્યા હતા.
જૈન ગુરુકુળને રાજ્યપાલે બિરદાવી
શિક્ષક દિવસે અમદાવાદ સ્થિત સાબરમતી વિસ્તારમાં આવેલા જૈન ગુરુકુળને રાજ્યપાલે બિરદાવી તેમને જણાવ્યું કે, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જૈન ગુરુકુળમાં પૌરાણિક ગ્રંથો અને પ્રાચીન ગ્રંથોને આધારિત ગણિત શિખવાડવામાં આવી રહ્યું છે. આજે એક શિક્ષક કેલ્ક્યુલેટર લઈને બેસે જેની સામે એક નાનો બાળક સામાન્ય અવસ્થામાં બેસે અને બન્નેને કોઈ પણ મોટામાં મોટો ગુણાકાર, ભાગાકાર અથવા સરવાળો આપવામાં આવે તો જૈન ગુરુકુળમાં અભ્યાસ કરતો બાળક કેલ્ક્યુલેટર કરતાં પણ વધુ ઝડપી પોતાની અવસ્થામાં ગણતરી કરીને આપી શકતો હોય છે. જે પૌરાણિક ગણિતના આધારે આપવામાં આવતી આ શિક્ષા ખૂબ જ જરૂરી બની છે.