- અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ણય
- કોરોનાના કેસ વધતા ચાની કીટલી-પાનના ગલ્લા કરાયા બંધ
- 200 ટીમ બનાવી કરવામાં આવી રહી છે કાર્યવાહી
અમદાવાદઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો આદેશ કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી અન્ય આદેશ ના થાય ત્યાં સુધી શહેરમાં ચાની કીટલી અને પાનના ગલ્લાઓ બંધ રહેશે. જો, કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમના એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
શાકભાજી તેમજ અન્ય માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે પબ્લિક એનાઉન્સમેન્ટ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, જેને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ ઉપર જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળે છે તે એકમોને બંધ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર સૌથી વધુ લોકોની ભીડ જોવા મળે છે, જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધુ રહેલો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા હવે આ એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકભાજી માર્કેટમાં જે ભીડ થાય છે ત્યાં પણ દરેક ઝોનમાં અલગ-અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો ત્યાં ભીડ જણાશે અથવા કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતુ દેખાશે તો ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની શહેરમાં 200 ટીમ ચેકિંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શનિ-રવિ બધા મોલ અને થિયટર્સ બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રએ લીધો નિર્ણય