- વેક્સિન મેળવેલા 53.33 ટકા લોકો કોરોના પોઝિટિવ થતાં બચ્યા હતાં
- O પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં લોકો સૌથી વધુ 40.34 ટકા સંક્રમિત થયા
- સૌથી વધુ પોઝિટિવ કેસ 21થી 40 વયજૂથમાં 44.99 ટકા જોવા મળ્યાં
અમદાવાદ: સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (GTU) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. GTU દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીથી લઈને 15મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં.
આ પણ વાંચો:અમદાવાદમાં 4થુ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું
86.6 ટકા સંક્રમિત લોકોમાં વેક્સિનના કારણે સામાન્ય લક્ષણો
GTUની બાયોસેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 મહિનાના ડેટા આધારિત સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વય, બ્લડ ગ્રુપ, રિકવરી રેટનો સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ તેમજ વેક્સિન મેળવેલા છે કે નહીં જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યું છે. આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સંક્રમિત થયેલા 86.6 ટકા લોકોએ વેક્સિન મેળવેલા હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવી જોઈએ. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વધુમાં વધુ લોકોને વેક્સિન મેળવવાની અપીલ કરીને GTU અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટને સર્વે માટે અભિનંદન પાઠવ્યા હતાં.
94.74 ટકા લોકો હોમ આઈસોલેશનથી થયાં સ્વસ્થ
ડૉ. વૈભવ ભટ્ટના જણાવ્યું અનુસાર, અત્યાર સુધી 2368 કોવિડ-19ના સેમ્પલનું યોગ્ય નિદાન કરવામાં આવેલ છે. જેમાંથી 1127 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ સંદર્ભે GTUની બાયો ટેક લેબ દ્વારા પૂર્વવત્ત તૈયારીના ભાગરૂપે સર્વે માટે ટેસ્ટ કરાવવા આવતાં દરેક વ્યક્તિનો ડેટા સંગ્રહિત કર્યો હતો. વિવિધ મુદ્દાઓને સાંકળીને છેલ્લા 3 મહિનાના સમયગાળાનો સર્વે કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે કે, 94.74 ટકા લોકો હોમ આઈસોલેશનથી જ આ બિમારીને દૂર કરીને સ્વસ્થ થયાં છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વેક્સિન લેવા લાઇનો લાગી