- સતત 10 કલાકની સર્જરીના અંતે મળી સફળતા
- 12 લાખની સર્જરી થઈ વિનામુલ્યે
- કોરોના સમયમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગે 1300 સર્જરી કરી છે
અમદાવાદ : પ્રવીણ ભોભી જાન્યુઆરી મહિનામાં રાત્રિ સમય દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે એકાએક જંગલી પ્રાણીએ તેમના પર ઘાતકી હૂમલો કર્યો હતો. આ હૂમલો એટલો ઘાતક હતો કે, જંગલી પ્રાણીના પંજાથી પ્રવીણના ચહેરાનો 40 ટકા ભાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇડર તાલુકાના આંકલા ગામમાં રહેતા પ્રવીણ ભોભી બચી તો ગયા પણ જંગલી પ્રાણીના પંજાના પ્રહારથી તેમનો 40 ટકા ચહેરો બગડી ગયો હતો.
બે હોસ્પિટલ ફર્યા પછી અમદાવાદ લાવવામાં આવ્યા
અચાનક બનેલી આ ઘટના બાદ પ્રવીણભાઈના સગા તેમને ઇડર હોસ્પિટલ લઇ ગયા, ત્યાંથી તેમને હિંમતનગર હોસ્પિટલે લઇ જવાયા. હિંમતનગર હોસ્પિટલના તબીબોએ તેમના ઇજાગ્રસ્ત થયેલા બેડોળ ચહેરાને જોઇને સર્જરીની ગંભીરતાનું અનુમાન લગાવી લીધી હતું, જે કારણોસર જ પ્રવીણને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા સૂચન કર્યું. અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ તેમને બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતા.
આંખ, પાંપણ, ગાલ, ઉપલો હોઠ અને નાકનો હિસ્સો ગુમાવી દીધો હતો
અહીં ચકાસણીના અંતે જાણવા મળ્યુ કે જાનવરના પંજાના પ્રહારથી પ્રવીણભાઈએ ચહેરાના ડાબા ભાગે આંખનું ઉપલી અને નીચલી પાંપણ, ગાલ, ઉપરના હોઠનો એક હિસ્સો તથા નાકનો અમુક હિસ્સો ગુમાવી દીધો હતો. આ પરિસ્થિતિમાં થોડા સમય બાદ પ્રવીણભાઈની હાલત દયનીય બની જાય તેમ હતી, તેથી ઊંડી ચકાસણી બાદ તબીબોએ પ્રવીણભાઈની રિકન્સ્ટ્રક્ટિવ (પુનઃનિર્માણ) સર્જરી કરીને પ્રવીણભાઈને એક નવો ચહેરો આપવાનો નિર્ણય કર્યો હતો.
માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી ચહેરાનું પુનઃસર્જન કરાયું
ગાલ અને હોઠના ભાગે નરમ પેશીઓની ખામીને પૂરવા માટે રેડિયલ ફોરઆર્મ ફ્રી માઇક્રોવાસ્ક્યુલર ફ્લૅપ સર્જરીથી રિકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરવામાં આવ્યું હતુ. નાક અને ઉપરની પાંપણને કપાળની માંસપેશી લઈને બનાવવામાં આવેલા, જ્યારે નાક અને આંખની અંદરનો ભાગ બનાવવા સાથળની ચામડી અને તાળવામાંથી મયુકોસા લેવામાં આવેલા હતા.