- સાબરમતીના પ્રદુષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
- કોર્ટે GPCBની ઝાટકણી કાઢી
- 24 ડિસેમ્બરે વધુ સુનાવણી
અમદાવાદ:હાઇકોર્ટમાં આજે જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે GPCBની કામગીરી ઉપર સવાલ કરતા જણાવ્યું હતું કે, જો નોમ્સ મુજબ કામગીરી નથી થઈ રહી તો, કેમ આજ દિન સુધી GPCB કોઈ પગલાં નથી લઈ રહી? સાબરમતી નદી (Sabarmati River Pollution)માં જે પાણી ઠલવાઇ રહ્યું છે, તે 24 કલાક 365 દિવસ ઠલવાઇ રહ્યું છે. હાઇકોર્ટમાં સાબરમતી સુઓમોટો (Suomoto on Sabarmati) હાથ ધરાયા બાદ GPCB એ કરેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકતા કોર્ટે સવાલ કર્યો હતો કે, GPCBએ જે પગલાં લીધા છે, શું તેનાથી નિયમો મુજબ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે? જો કે, હાઇકોર્ટના આ સવાલ સામે GPCBએ જણાવ્યું (GPCB in High court) હતું કે, હજી જે ધારાધોરણો મુજબ નદીમાં પાણી ડિસ્ચાર્જ થવું જોઈએ તે મુજબ નથી થઈ રહ્યું.
Suomoto on Sabarmati: જો ઔદ્યોગિક એકમો નોમ્સ મુજબ ન વર્તે તો તેમની સામે કાર્યવાહી કરે 4 ડિસેમ્બરે GPCBએ નોટિસ પાઠવી
GPCB એ CEPT ( કોમન એફ્લૂએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) મુદ્દે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કેટલાક એકમોને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જો કે, કોર્ટે સામે સવાલ કર્યો હતો કે નોટિસ આપ્યા પછી શું? તે પછી પગલાં લેવામાં આવે છે ખરા? આ સામે GPCBએ રજુઆત કરી હતી કે, અમે એકમો દ્વારા ફરિવાર નદીમાં પ્રદુષિત પાણી ન ઠલવાય તે માટે બેન્ક ગેરન્ટી લીધી છે. જેમાંથી 2 એકમોએ બેન્ક ગેરેન્ટી જમા કરાવી છે.
GPCBએ NEERIની મદદ માંગી
અહીં ઉલ્લેખનિય છે કે, નાગપુર સ્થિત NEERI ( નેશનલ એનવાયરોમેન્ટ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ) કે જે પર્યાવરણને બચાવવા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ માટે સરકારી, ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓની મદદ કરે છે, તેની એક ટિમ 7 CETP માટે એક રિપોર્ટ તૈયાર કરે તે માટે GPCBએ રજુઆત કરી હતી. હાઇકોર્ટે GPCBના આ પગલાંને આવકર્યો હતો. આ માટે GPCB NEERI ને 83 લાખ રૂપિયા ચૂકવશે.
CEPT બાદ STPની સ્થિતિ મુદ્દે કોર્ટમાં ચર્ચા
અમદાવાદના 14 STP(સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ )મુદ્દે હાઇકોર્ટે મનપાની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, STPમાંથી નિયમ મુજબ પાણી ડિસ્ચાર્જ થાય તે જોવાની જવાબદારી મનપાની જ છે. આ સિવાય ઔદ્યોગિક એકમોને ચેતવણી આપતા કોર્ટે ટકોર કરી હતી કે, તમારા એકમો બંધ કરવા પડે તો કરો, પણ મનપાની સુએજ લાઈનમાં જોડાણ કરવાનો તમને કોઈ અધિકાર નથી. વધુમાં કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, જો અદ્યોગિક એકમો તેમનું કેમિકલ યુક્ત પાણી મનપાની સુએજ લાઈનમાં ન છોડે ત્યારે જ STP નિયમો મુજબ સાબરમતી નદીમાં ચોખ્ખું પાણી ઠાલવી શકે.
એક હજાર લોકોની સામે 6 કરોડ નાગરિકોને મુશ્કેલીમાં મૂકી શકાય નહીં
ઔદ્યોગિક એકમો દ્વારા કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, તેમના યુનિટ ટેક્સટાઇલ યુનિટ છે. જેમાં ડિસ્ચાર્જ દરમિયાન મરક્યુરી હોતું નથી. આ સિવાય તેમની પાસે પોતાનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જો કે હાઇકોર્ટમાં રજુઆત થઈ હતી કે, ટેક્સટાઇલ યુનિટમાં ડાઈના ઉપયોગમાં મરક્યુરી હોય છે. આ સિવાય ઔદ્યોગિક એકમ તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, જો તેમના એકમો બંધ કરી દેવામાં આવશે તો 1 હજાર કામદારો બેરોજગાર થઈ જશે. તેમના પરિવાર મુશ્કેલીમાં પડી જશે. જો કે, કોર્ટે આ સામે નોંધ્યું હતું કે, 1 હજાર લોકોની સામે 6 કરોડ લોકોને સંકટમાં મૂકી શકાય નહીં.
ટાસ્ક ફોર્સે કોર્ટમાં કહ્યું, નદીમાં ડાયરેકટ કનેક્શનથી પણ પ્રદુષિત પાણી આવે છે
કોર્ટે નિમેલી ટાસ્ક ફોર્સે કોર્ટમાં રજુઆત કરી હતી કે, સાબરમતી નદીમાં નદીની આસપાસની સોસાયટી તરફથી પણ સીધે સીધું નદીમાં પ્રદુષિત પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે. જે કોઈ પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર નથી થઈ રહ્યું. આવા ત્રણ સ્થળ અમને મળ્યા છે. આવા જોડાણોને પણ દૂર કરવા જોઈએ. આ સિવાય તેમણે કોર્ટમાં રજુઆત કરી હતી કે, મનપા અને GPCB તરફથી અમને તપાસમાં પૂરો સપોર્ટ જોઈએ છે. તેઓ માત્ર આંકડાઓની કોપી ઝેરોક્સ કરી અમને આપી દે તે નહીં ચાલે. દાખલા તરીકે જો અમે પાણીનું PH કેટલું છે તે માંગીએ તો અમને તે PHનું પાણી ક્યાંથી આવી રહ્યું છે, તેની પણ માહિતી મળવી જોઈએ. કોર્ટે તમામ પક્ષકારોની રજુઆત સાંભળી વધુ સુનાવણી 24 ડિસેમ્બરે રાખી છે.
આ પણ વાંચો:Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી
આ પણ વાંચો:એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી