વિકટ પરિસ્થિતિ વચ્ચે ઘેરબેઠાં વિદ્યાર્થીઓનો સફળતાપૂર્વક ચાલી રહેલો અભ્યાસ - ગુજરાત કોરોના
સમગ્ર રાજ્યમાં કોરોના covid19 ની પરિસ્થિતિ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઘરે બેઠા જ સોશિયલ મીડિયાના માધ્યમથી જળવાઈ રહે તે માટે શિક્ષણ વિભાગે કરેલા પ્રયાસોને સફળતા મળી છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં ધો. ૩ થી ૯ ના અંદાજે ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સોશિયલ મીડિયાના માધ્યમ ઉપરાંત માઈક્રોસોફ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ આ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે. આમ, આ પ્રકારના પ્રયાસોના કારણે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અભ્યાસ ચાલુ રહેતા આગામી શૈક્ષણિક વર્ષમાં આગળના ધોરણમાં વિદ્યાર્થીઓને સરળતા રહેશે.
![વિકટ પરિસ્થિતિ વચ્ચે ઘેરબેઠાં વિદ્યાર્થીઓનો સફળતાપૂર્વક ચાલી રહેલો અભ્યાસ વિકટ પરિસ્થિતિ વચ્ચે ઘેરબેઠાં વિદ્યાર્થીઓનો સફળતાપૂર્વક ચાલી રહેલો અભ્યાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6842849-thumbnail-3x2-education-7209112.jpg)
ગાંધીનગરઃ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવેએ આજે ગાંધીનગરથી માઈક્રોસોફ્ટ ટીમ્સના નેટવર્ક દ્વારા વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓના ડીપીઈઓ, ડીઈઓ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યો તથા ખાનગી શાળાના સંચાલકો સાથે સંપર્ક કરીને વર્તમાન પડકારરૂપ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રક્રિયા ઘરે બેઠા પણ જળવાઈ રહે તે માટે થઇ રહેલા પ્રયાસોની અને જીલ્લા કક્ષાએ થઇ રહેલા કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મોટાભાગના જિલ્લાઓમાંથી મળેલા અહેવાલો મુજબ આટલા ટૂંકા દિવસોમાં પણ ૪૦% થી મહતમ ૮૦% સુધીના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે સાથોસાથ તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે બાકી રહેતા વિસ્તારોને પણ આવરી લેવાશે.