અમદાવાદઃ ચા પીવડાવવી કે પીવી આમ તો વ્યક્તિની હળવાશને કે આનંદને અભિવ્યક્ત કરે છે. પણ કોરોનાના સંકટકાળમાં ચા બનાવવાના કાર્ય પાછળ ચા બનાવનારની દબાયેલી ચાહત પણ હોઇ શકે છે. કોરોના કાળે ઘણાં લોકોની રોજગારીને મોટો ફટકો માર્યો છે. ત્યારે ચા પેટિયું પણ રળાવી રહી છે.અમદાવાદ જેવા વિશાળ વસતી ધરાવતાં શહેરમાં ચોરેચૌટે ચાની કીટલી લગભગ હોય છે જેમાં કામ કરનાર ચાવાળાને રોજિંદી કમાણીથી જીવન ગુજારો થતો હોય છે. એવા એક ચાવાળાની ઈટીવી સંવાદદાતાએે મુલાકાત લીધી હતી કે જાણીએ કે તેઓ કોરોનાના સંકટમાં કઇ રીતે જીવનયાપન કરે છે. તો જાણવા મળ્યું કે ચા બનાવતાં જયેશ ભાગડે નામના આ વ્યક્તિ એક આર્ટિસ્ટ છે જે ડ્રમર છે. તેઓ 20 વર્ષથી ડ્રમ વગાડે છે અને અનેક કાર્યક્રમ કર્યાં છે. કોરોનાના કારણે ગુજરાન ચલાવવા ચાની કીટલી શરુ કરી છે.
જયેશભાઈ લૉકડાઉનના સમયમાં ઘરમાં ચા બનાવતાં શીખ્યાં ત્યારે તેમને ખબર ન હતી કે તેઓએ ચાથી જ રોજગારી મેળવવી પડશે. અનલોકના ગાળામાં જે બચત હતી તે ખતમ થઇ. હવે શું કરવું તેની મૂંઝવણમાં ચા બનાવતાં આવડી ગઈ છે તે યાદ આવ્યું અને જયેશભાઈએ શરુ કરી ચાની કીટલી.એક કલાકારનું ચિત્ત જે સંવેદનાથી મનગમતી પ્રવૃત્તિમાં રત રહે તેની અનુભૂતિની સાથે સતત ઉકળતી ચાની પત્તીઓમાં તેમની સંવેદનાઓ ઘોળાવા લાગી અને તેમની ચાની કીટલી ચાલી પડી છે. જોકે અંતરના છાના ખૂણે ઢબૂરાયેલો તેમનો આર્ટિસ્ટ આત્મા બીજી રીતે આશ્વાસન મેળવી લે છે. તેઓ કહે છે, કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. ડ્રમ વગાડવાના દિવસના ત્રણથી પાંચ હજાર રૂપિયા મળતાં હતાં જ્યારે ચાની કીટલીમાં રોજના 300 રૂપિયા મળી રહે છે. શરૂઆતમાં આ કામ કરવું કઠિન લાગતું હતું કારણ કે જે હાથથી ડ્રમ વગાડ્યાં હોય એ જ હાથથી ચા બનાવવાનો દિવસ આવ્યાં હતાં પરંતુ હવે આ કામ કરીને સંતોષની લાગણી સાથે આત્મનિર્ભરતા અનુભવે છે.