- સ્ટેટ GSTની ટીમે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા
- GSTની ટીમે 36 કંપનીઓના 71 સ્થળે પાડ્યા દરોડા
- 1 હજાર કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું
અમદાવાદ : રાજ્યમાં બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરવા સ્ટેટ GST વિભાગે હવે લાલ આંખ કરી છે. આ સાથે જ સ્ટેટ GST વિભાગે બોગસ બિલિંગનું 1,000 કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્ટેટ GSTની ટીમે 36 કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલિંગ ઓપરેટર્સ તથા તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના ધંધા અને રહેઠાણ મળી કુલ 71 સ્થળ પર દરોડા પાડ્યા છે. સ્ટેટ GSTની 80 ટીમે અમદાવાદના 17, સુરતના 4, ગાંધીનગરના 5, ભાવનગરના 42, રાજકોટના 2, પ્રાંતિજના એક સ્થળે દરોડા પાડી આ કૌભાંડ પકડ્યું છે.
કૌભાંડનો અંદાજ ક્યાંથી આવ્યો?
આ સમગ્ર કૌભાંડનો અંદાજ ભાવનગરના વાઘવાડી રોડ પર આવેલી નિલેશ પેલની માલિકીની કંપની માધવ કોપર લિમિટેડ પરથી આવ્યો હતો. આ કંપની મોટા પ્રમાણમાં બોગસ બિલની મદદથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રહી હોવાની શક્યતાના આધારે GST ટીમે તપાસ શરૂ કરી હતી. આ સાથે જ માધવ કોપર ઉપરાંત તેની સાથે સંકળાયેલા તમામ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. GST ટીમના અધિકારીઓના મતે, માધવ કોપર લિમિટેડે 425 કરોડ રૂપિયાની ખરીદી બતાવીને આશરે 75 કરોડ રૂપિયાની ખોટ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી.
આ પણ વાંચો : વડોદરા GST ભવનના બે અધિકારી લાંચ લેતા ઝડપાયાં