અમદાવાદ: લોકડાઉનમાં લાંબા સમય સુધી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે અનલોકમાં છૂટછાટ મળતા મનગમતી પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સ્કાયબ્લુ સ્ટેશનરી માર્ટમાં કલાપ્રેમીઓ માટે ડોટ મંડલા આર્ટ પર એક નિ:શુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ ઇન્ફ્લુએન્સર શાલિની ગોકાણી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ડિઝાઇન તથા પેટર્ન શીખવવામાં આવી હતી.
અમદાવાદમાં પહેલી વખત ડોટ મંડલા આર્ટનો વર્કશોપ યોજાયો
અમદાવાદ શહેરમાં અવારનવાર આર્ટને લગતી અનેક પ્રવૃત્તિઓ યોજાતી હોય છે. ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સ્કાયબ્લુ સ્ટેશનરી માર્ટમાં કલાપ્રેમીઓ માટે ડોટ મંડલા આર્ટ પર એક નિ:શુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોટ મંડલા આર્ટ એટલે કે ડોટ પેઇન્ટીંગ અને મંડલા એ સંસ્કૃત શબ્દ મંડલ પરથી લેવાયો છે જેનો અર્થ થાય છે બ્રહ્માંડને દર્શાવતું વર્તુળ. ડોટ પેઇન્ટિંગ આર્ટ મૂળ ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી કલા છે. આ આર્ટમાં ઇમેજ રચવા માટે જુદા-જુદા રંગોનો ઉપયોગ કરી સૂક્ષ્મ આકારમાં ટપકાથી પેટર્ન બનાવવામાં આવે છે.
સ્કાયબ્લુ સ્ટેશનરી માર્ટના MD શૈલેષ પીઠડિયાએ આ વર્કશોપ અંગે જણાવ્યું હતું કે, "આ પ્લેટફોર્મ દરેક કલાપ્રેમીઓ માટે છે. જ્યાં તેઓ પોતાની સર્જનાત્મકતા વડે અવનવી કલાઓ શીખી શકે. આ વર્કશોપ દ્વારા અમે એક આર્ટ કોમ્યુનિટી બિલ્ડ અપ કરવા માંગીએ છીએ." આ વર્કશોપમાં ભાગ લેવા માટે ઉંમરની બાધ નથી અને જોડાવા માટે કોઈ પણ ફી ચૂકવવી પડતી નથી. આ સાથે જ આ વર્કશોપમાં કલર, ક્રાફટ બધું જ ત્યાંથી જ આપવામાં આવી રહ્યું છે જેનો પણ કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.