અમદાવાદ: નવરાત્રી શબ્દ સાંભળતાની સાથે જ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. 2-3 મહિના અગાઉથી જ શરૂ કરી દીધેલા ગરબા ક્લાસમાં દરરોજની ગરબા પ્રેકટિસથી માંડીને પાસની ગોઠવણ સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટનો આનંદ માણવા માટે દરેક પડકાર ઝીલી લેવા આતુર હોય છે અને આવો જ ઉત્સાહ જોવા મળે છે અવનવી ફેશનની ચણીયાચોળીની ખરીદીમાં.
જોકે, આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે કેમ તે અંગે સરકાર હજુ વિચારણા કરી રહી છે. જે રીતે સમગ્ર દેશમાં કોરોનાને લઇને પરિસ્થિતિ વકરી છે તેને જોતા લોકોમાં નવરાત્રી વિશે પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ચણીયાચોળી બજારમાં હાલ ગ્રાહકો વિના સૂનકાર વ્યાપેલો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે વેપારીઓ નવરાત્રીના એક મહિના પહેલા મોટાપાયે ચણીયાચોળીના ઓર્ડર આપી દેતા હોય છે પરંતુ આ વખતે ઘરાકીના અભાવે વેપારીઓએ નવો માલ મગાવવાનું હાલ પૂરતું મુલતવી રાખ્યું છે અને તેઓ નુકસાનની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.