અમદાવાદ: ભગવાનને સોનું-ચાંદી, હીરા-જવેરાત, ખાદ્ય પદાર્થોનો ભોગ ચડતા તો સૌએ જોયું હશે, પરંતુ શું તમે ભગવાનને સિગરેટ ધરાવનારા ભક્તો વિશે જાણ્યું છે? દરેક ભક્તની અલગ અલગ પ્રકારની ભક્તિ હોય છે અને અલગ અલગ પ્રકારની માનતા હોય છે. જે પૂરી કરવા માટે તેઓ અવનવી વસ્તુઓનો ભોગ ચડાવતા હોય છે.
અમદાવાદ શહેરના વાડજમાં દધિચી બ્રિજની પાસે દૂધાધારી મહાદેવજીનું મંદિર આવેલ છે જે વર્ષો જૂનું છે. આ મંદિરમાં દધિચી મુનિ અને તેમના જ એક શિષ્ય અઘોરીનું પણ મંદિર છે. અહીં નિયમિતપણે દર્શન કરવા આવતા ભક્તો અઘોરી દાદાને સિગરેટ ધરાવે છે.
આ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ મંદિર જ્યારે અવાવરૂ હાલતમાં હતું. ત્યારે કેટલાક અઘોરીઓ હતા જેમણે મંદિરની સાર-સંભાળ તેમજ જાળવણી રાખવાની શરૂઆત કરી હતી. મંદિર વ્યવસ્થિત થઇ જતા અઘોરીઓએ ત્યાંથી પ્રસ્થાન કર્યું પરંતુ એક અઘોરી ત્યાં જ રહી ગયા.
સમય વીતતા શ્રદ્ધાળુઓએ આ મંદિરમાં અઘોરીઓની સમાધિ બનાવી. સમાધિ બનાવ્યા બાદ અઘોરીઓ જે પ્રમાણે સિગરેટ અને અન્ય વસ્તુઓનું સેવન કરે છે તેને જોતા લોકોએ સમાધિ પાસે સિગરેટ ધરાવવાની શરૂ કરી હતી જે પરંપરા જળવાઈ રહી છે અને આજે પણ લોકો ત્યાં સિગરેટ ધરાવે છે.ખાસ કરીને ગુરુવારના દિવસે લોકો વધુ સિગરેટ ધરાવે છે.