અમદાવાદઅમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞએ વેગ પકડ્યો છે. જીવંત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અને અંગોની ખોડખાપણ કે તકલીફથી પીડાતા દર્દીને નવજીવન મળી રહે તે માટે બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળતા અંગોની મદદથી અનેક લોકોને નવજીવન આપવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના આ સેવાયજ્ઞમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઇ છે. 16 ઓગસ્ટની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના 48 વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં નાના આંતરડાનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સમગ્ર ગુજરાતમાં નાના આંતરડાનું અંગદાન માટે આ બીજો કિસ્સો છે.
અકસ્માતમાં ઇજાને લઇ મૃત્યુઅંગદાન આપનાર યુવકને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં 14 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 16 ઓગસ્ટની રાત્રીએ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનોને બ્રેઇનડેડ થયાની જાણ થતા તેઓએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો હતો. જેના પરિણામે યુવકના શરીરના અંગોના રીટ્રાઇવલ કરતા બંને કિડની Kidney donation એક લીવર અને નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો Intestine organ donation in Gujarat : સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન
ગ્રીન કોરિડોરથી મોકલાયું મુંબઈ સૌરાષ્ટ્રના 48 વર્ષીય પુરુષ અંગદાતાના નાના આંતરડાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર મારફતે ગણતરીની મીનિટોમાં પહોંચાડીને 40 વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને લાંબુ પીડામુક્ત જીવન આપવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ નાના આંતરડાનું દાન કેટલું મહત્વનું છે તેની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અંગદાનમાં મળતા તમામ અંગોમાંથી નાનું આંતરડું કેમ મહત્વનું છે. નાનું આંતરડું શરીરમાં થતી પાચન ક્રિયામાં અતિમહત્વનું કાર્ય કરતુ અંગ છે. મોટા આંતરડા કરતાં સાંકડા હોવા છતાં તે વાસ્તવમાં પાચન નળીનો સૌથી લાંબો વિભાગ છે. જે સરેરાશ 22 ફૂટ અથવા સાત મીટર લંબાઇ અથવા આપણા શરીરની લંબાઈ કરતાં સાડા ત્રણ ગણી લંબાઇ ધરાવે છે.